પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતાં, પણ કોણ જાણે શું થયું કે બચ્ચાં એ બાળકને ખાય નહિ. ઊલટાં એને શરીરે ને મોંએ ચાટવા માંડ્યા. એ બાળકને પણ બહુ જ આનંદ થતો હતો એટલે તે હસવા લાગ્યો. હાથ લાંબા કરીને રીંછનાં બચ્ચાંની ડોકે વળગવા લાગ્યો. રીંછણને પણ બહુ જ હેત ઊપજ્યું. પછી પોતાનાં બચ્ચાંની સાથે સાથે એ છોકરાને પણ રીંછણ ધવરાવવા લાગી. એ છોકરો મોટો થવા મંડ્યો.

ઓહો! શું એ છોકરાનું જોર! જંગલના કોઈ જાનવરને જુએ કે દોડીને એનો જીવ લ્યે. મોટાં મોટાં રીંછ સાથે કુસ્તી કરે, આખા જંગલના જાનવર એની પાસે ગરીબ ગાય જેવાં. એક તો રાજાનો છોકરો, તેમાં વળી રીંછનું ધાવણ ધાવ્યો. દિવસ જતા ગયા તેમ તેમ એનો ત્રાસ વધતો ગયો. જંગલમાં કોઈ માણસ પગ મેલી ન શકે. એના લાંબા લાંબા વાળ : મોટી ડાઢી : હાથપગના નહોર વધેલા : અને નાગોપૂગો! આખા વનને ધ્રુજાવે. લોકોએ એનું નામ પાડ્યું બુનો.

બીજી તરફ એવું બન્યું કે બીજા છોકરાને રાજા ઉપાડી ગયો ને એનું નામ પાડ્યું ચંદ્ર : કેમકે તે દિવસ પૂનમની રાત હતી. ચંદ્રને રાજા પોતાના દીકરાની જેમ રાખે.

ચંદ્ર દિવસે ન વધે એવો રાતે વધે, અને રાતે ન વધે એવો દિવસે વધે. એનું રૂપ તો ક્યાંય માય નહિ. રાજાએ એને ભણાવ્યો. મહારથીનાં પણ માન મુકાવે તેવો ચંદ્રકુમાર થયો.

દેશમાં પોકાર થયો કે જંગલમાં કોઈ માનવીના રૂપવાળું રીંછ રંજાડ કરી રહ્યું છે, મોટા રસ્તા બંધ થયા છે, ગામડાં ઉજ્જડ થયાં છે ને માણસો ખોવાયાં છે.

રાજાજી સભા ભરીને કહે કે "રીંછને મારવા કોણ જાય છે? સભામાં બધાયનાં મોઢાં ઊતરી ગયાં. કોઈ બીડુંય ઝડપે નહિ. ત્યારે પછી ચંદ્રકુમાર કહે કે "એ તો મારું કામ."

જંગલમાં ચંદ્રકુમાર એકલો ચાલ્યો. ઢાલ-તલવાર બાધેલી.