પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુનો ને ચંદકુમાર તૈયાર થયા. માંડ્યા ચાલવા. કેટલાં કેટલાં વન વીંધ્યાં, કેટલાં ડુંગરા ચડ્યા, કેટલી યે મોટી મોટી નદીઓ તર્યા. પછી આવ્યો એક લોઢાનો પહાડ. આખો પહાડ લોઢાનો. ઝાડનું એક તરણું યે નહિ. સૂરજના તાપમાં તપી તપીને પહાડ રાતોચોળ થયેલો. એ પહાડની અંદર લોહપુરી નામે નગરી. નગરીને દરવાજે રાક્ષસોની ચોકી અને મોટા મોટા ઘંટ બાંધેલા. આ બે ભાઈઓ પહોંચ્યા, ત્યાં તો ઘંટ 'ટણણ ટણણ' વગડવા લાગ્યા. ઘડી વારમાં તો લોઢો રાક્ષસ આવી પહોંચ્યો. આ બે જણાને જોઈને તે ખૂબ હસ્યો: "હા! હા! તમે મને મારવા આવ્યા છો! ઠીક, આ ઝાડ ઉપર મારી ઢાલ લટકે છે; એને જરા ઉપાડો તો! કેટલુંક જોર છે તમારામાં?"

ચંદ્રકુમાર ઢાલને ઉપાડવા ઊઠ્યો, પણ ઢાલ જરાય ચસ્કે જ શેની! ભોંઠા પડીને ભાઈસાહેબ પાછા વળ્યા. રાક્ષસે કહ્યું: "આવો બેટાજી તમે."

બુનોએ આખા ઝાડને ઝાલીને હલાવ્યું. કડકડ કરતું ઝાડ નીચે પડ્યું. ઢાલ નીચે પડી. આખો લોઢાનો પહાડ ધ્રુજી ઊઠ્યો. રાક્ષસના શરીરમાંથી જોર ચાલ્યું ગયું. રાક્ષસ મરવા જેવો થયો. મરતાં મરતાં બોલ્યો કે, "મારું મોત આ ઢાલમાં હતું. આ ઢાલને ઉપાડનાર કોઈ જેવોતેવો ન હોય. મને વરદાન હતું કે જંગલના જાનવરને ધાવીને જે માણસ ઊછર્યો હશે તેને હાથે જ હું મરીશ."

રાક્ષસ મરી ગયો. ચંદ્રકુમાર અને બુનો નગરમાં ગયા. ત્યાં તો મોટાં મોટાં બંદીખાનામાં અપરંપાર માણસોને પૂરેલાં જોયાં. બધાને ચંદ્રકુમારે છોડ્યાં. એક ઠકાણે એક સુંદર બાઈ બેઠી બેઠી રડતી હતી. એના હાથપગમાં બેડીઓ બાંધેલી. કુમારે બેડીઓ છોડીને પૂછ્યું કે "માડી તમે કોણ છો?"

બાઈએ કહ્યું કે "હું ચીન દેશના રાજાની રાણી છું. મારા પતિએ મને વનવાસ દીધો, મારા છોકરાં જંગલમાં ખોવાણાં,