પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજ વીસ વરસ થયાં હું આંહીં પડી પડી રડું છું. આંહીં એક વામનજી પણ છે. તેને તમે છોડાવો."

આઘે એક પથ્થરની મોટી મૂર્તિ ઊભી હતી. ત્યાં એક વામનજી બેઠેલા. એણે કહ્યું કે "તમે મને છોડાવો છો, તેથી હું પણ તમને એનો બદલો દઈશ." એમ કહીને એણે પથ્થરની મૂર્તિને ટકોરા માર્યા ને પૂછ્યું: "હે મૂર્તિ! કહે, આ કોણ છે?"

મૂર્તિને વાચા થઈ, એણે ચંદ્રકુમારને કહ્યું: "તને ખબર છે તારાં માબાપ કોણ છે?"

ચંદ્રકુમાર કહે: "ના, ઓ દેવી! મને બધાં ય નમાયો કહે છે."

મૂર્તિ કહે: "આ સામે ઊભી એ તારી મા, તારો ભાઈ બતાવું? આ સામે ઊભેલો બુનો તારો ભાઈ."

પેલી બાઈ કહે: "ઓ દેવી મૂર્તિ! મને બધો ભેદ સમજાવો!"

પછી મૂર્તિએ બધી વાત કહી.

મા અને બે દીકરા ખૂબ ભેટ્યાં. ત્રણે જણા રાજમાં ગયાં. ત્યાં ખબર મળી કે આ તો આપણા મામાનું રાજ. મામા પણ બેઉ ભાણેજોને ખૂબ ભેટ્યા, બેય કુમારોને લઈને રાણી ચીનમાં ગયાં.

ચીનના રાજાએ પણ રાણીને વનવાસ કાઢ્યા પછી સાચી વાત જાણી પ્રધાનને દેશનિકાલ કર્યો હતો. તેણે તો પોતાની રાણીને મરી ગયેલી જ માનેલી. 'રાણી! ઓ રાણી!' એવા પોકારો કરીને એ ઝૂરતો હતો ત્યાં એને રાણી આવ્યાના સમાચાર મળ્યા. જઈને રાણીના પગમાં પડી ગયો. કુંવરોને રાજ સોંપીને પોતે ઈશ્વરનું ભજન કરવા મંડ્યો.