પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સૌરાષ્ટ્રના લાક્ષણિક વાક્યપ્રયોગો


અંજવાળી તોય રાત: જેમ રાત્રિ ચંદ્રના પ્રકાશવાળી હોય છતાં પણ દિવસ જેટલી ભયમુક્ત નથી, તેમ સ્ત્રી ચાહે તેવી શૂરવીર હોય છતાં તે સ્ત્રી જ છે - એનાં સ્ત્રીપણાંને સહજ નિર્બળતા કે જોખમ તો છે જ.

આજની ઘડીને કાલ્યનો દી: સદાને માટે એ સમય તો ગયો તે ગયો.

આંસુડાંના શ્રાવણ-ભાદરવો હાલ્યા જાય: શ્રાવણ - ભાદરવાનો વરસાદ વરસતો હોય, તેવી અવિરત અશ્રુધારા બેય આંખમાંથી વરસે.

ઊગ્યો એને આથમતાં વાર લાગશે: યૌવનનો હજુ આરંભ જ થયો છે. કટોકટીના એ કાળને વીતતાં વાર લાગશે. વાસનાઓ સંતાપશે.

કુંભાર દોરી ચડાવીને ચાકડેથી માટલું ઉતારી લે એમ માથું વાઢી લીધું: માથું કાપવામાં શૂરવીરોને જે સહેલાઇ પડે છે, તેનો સચોટ ખ્યાલ આ ઉપમામાંથી મળે છે.

કૂડનાં ધૂડ: દગો કરનારનાં યત્નો ધૂળ જ મળે.

કેડિયાની કસો તૂટવા મંડે: મનુષ્યને અતિહર્ષ થતાં છાતી ફુલાય, અને તેથી અંગરખો ખેંચાતાં કસો તૂટે : અતિ આનંદની ઊર્મિ.

કોઇકોઇનાં કપાળમાંથી બે આંકડા ભૂંસી ન શકે: તકદીરમાં નિર્માયું હોય તેમાંથી લગાર પણ લોપાતું નથી; સહુ પોતપોતાના તકદીર ભોગવે છે.

ગોળની કાંકરી ખાવી: વેવિશાળ કરવું (વેવિશાળ કરતી વખતે ગોળ ખાવાનો નિયમ છે.)

ઘેંસનાં હાંડલાં કોણ ફોડે?: ઘેંસ હલકું અનાજ ગણાય છે, માટે ભાવ એ છે કે યુદ્ધમાં સામાન્ય સૈનિકને શીદ મારવો? મારવો તો સરદારને મારવો.

(વિધાતા) ચપટી મીઠું નાખતાં ભૂલી ગઈ: વિધિએ (એ માણસને) જરા પણ અક્કલ હોંશિયારી ન બક્ષ્યાં.

(પનિયારી) ચિત્રામણમાં લખાય ગઈ: આશ્ચર્યમાં એટલી બધી સ્તબ્ધ બની ગઈ કે જીવતી સ્ત્રીઓ હોવાને બદલે જાણે ચિત્રની પુતળીઓ હોય તેવું લાગે છે. અત્યંત આશ્ચર્યચકિતતા સૂચવનાર રૂપક.

ચોળિયું પારેવું ત્રણ વિસામા ખાય: કોઇ ઇમારતની અતિ ઊંચાઇ કોઇ કૂવાનું અતિ ઊંડાણ બતાવવાનો આ વાક્યપ્રયોગ છે. એની ટોચ કે તળિયે એક