પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ન મળવો એ વધારે અંશે તે ખાતાના અમલદાર ઉપર આધાર રાખે છે, એ ધોરણ પ્રમાણે જ્યારે ટ્રાન્સવાલમાં બ્રિટિશ સત્તા કાયમ થઈ ત્યારે હિંદીઓને લગતા બધા કાયદાનો અમલ ઉત્તરોત્તર સખત થવા લાગ્યો. જ્યાં જ્યાં પહેલાં બારીઓ હતી ત્યાં ત્યાં બારીઓ બંધ થઈ. એશિયાટિક ખાતાનું ધોરણ તો સખતીનું હોવું જ જોઈએ એ તો આપણે પાછળ જોઈ ગયા. તેથી જૂના કાયદા કેમ રદ કરાવવા એ તો એક કોર રહ્યું, પણ તેમાં રહેલી સખતીઓ અમલમાં કેમ મોળી કરી શકાય એ જ દૃષ્ટિએ તુરતમાં તો હિંદી કોમને નસીબે પ્રયત્ન કરવાનું રહ્યું.

એક સિદ્ધાંતની ચર્ચા વહેલીમોડી આપણે કરવી જ પડશે, ને કદાચ આ જગાએ કરવાથી હવે પછી થવાની પરિસ્થિતિ અને હિંદી દૃષ્ટિબિંદુ સમજવાને અનુકૂળ પડશે. બ્રિટિશ વાવટો ટ્રાન્સવાલમાં અને ઓરેંજ ફ્રી સ્ટેટમાં ફરકવા લાગ્યો કે તુરત લૉર્ડ મિલ્નરે એક કમિટી નીમી. તેનું કામ બંને રાજ્યના પુરાણા કાયદા તપાસી, તેમાંથી જે પ્રજાની સત્તા ઉપર અંકુશ મૂકનાર હતા અથવા બ્રિટિશ બંધારણના રહસ્યથી વિરુદ્ધ હતા, તેની નોંધ તૈયાર કરવી એ હતું. આમાં સ્પષ્ટ રીતે હિંદીઓની સ્વતંત્રતા ઉપર હુમલો કરનાર કાયદા પણ આવી જાત. પણ લૉર્ડ મિલ્નરનો હેતુ આ કમિટી નીમવામાં હિંદીઓનાં દુઃખનું નિવારણ ન હતો, પણ અંગ્રેજોનાં દુઃખનું નિવારણ હતો. જે કાયદાથી આડકતરી રીતે અંગ્રેજોને હરકત થતી હતી તે કાયદા બનતી ત્વરાએ કાઢી નાખવાનો તેમનો મુદ્દો હતો. કમિટીનો રિપોર્ટ ઘણી જ ટૂંકી મુદતમાં તૈયાર થયો, અને નાનામોટા ઘણા કાયદા અંગ્રેજોના વિરોધી હતા તે એક જ હુકમથી રદ થયા એમ કહીએ તો કહી શકાય.

એ જ કમિટીએ હિંદીઓની સામેના કાયદા તારવી કાઢ્યા. તેનું તો એક પુસ્તક છપાયું કે જેનો ઉપયોગ અથવા આપણી દૃષ્ટિએ દુરુપયોગ એશિયાટિક ખાતાએ સહલાઈથી કરવા માંડયો.

હવે જે હિંદીવિરોધી કાયદા, હિંદીઓનું નામ તેમાં દાખલ કરીને ખાસ તેમની જ સામે ન કરવામાં આવ્યા હોત પણ બધાને લાગુ પડે એવા રચવામાં આવ્યા હોત, માત્ર તેમનો અમલ કરવા ન