પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહેવાના હક રદ થાય. અરજી ન કરવી એ કાયદેસર ગુનો ગણાય. તેને સારુ જેલ મળી શકે, દંડ થઈ શકે અને કોર્ટની મુનસફી મુજબ હદપાર પણ કરવામાં આવે. બચ્ચાંઓની અરજી માબાપે કરવી જોઈએ, અને નિશાનીઓ, અાંગળાં વગેરે લેવાને સારુ બચ્ચાંને અમલદારોની સમક્ષ રજૂ કરવાની જવાબદારી પણ માબાપની ઉપર. જે માબાપે તે જવાબદારી અદા ન કરી હોય તો સોળ વરસની ઉંમરે પહોંચતાં તે જવાબદારી બાળકે પોતે અદા કરવી જોઈએ, અને જે જે સજાને પાત્ર માબાપ થાય તે સજાને પાત્ર સોળ વરસની ઉમરે પહોંચેલા જુવાનિયા પણ ગણાય. જે પરવાના અરજદારને આપવામાં આવે તે હરકોઈ પોલીસ અમલદારની પાસે જ્યારે અને જ્યાં માગવામાં આવે ત્યારે અને ત્યાં હાજર કરવા જ જોઈએ . એ પરવાના હાજર ન કરવા એ ગુનો ગણાય અને તેને સારુ કેદ અથવા દંડની સજા કોર્ટ કરી શકે. આ પરવાનાની માગણી રસ્તે ચાલતા મુસાફરની પાસે પણ કરી શકાય. પરવાનાઓ તપાસવાને સારુ અમલદાર ઘરપ્રવેશ પણ કરી શકે, ટ્રાન્સવાલ બહારથી દાખલ થતાં હિંદી સ્ત્રીપુરુષે તપાસ કરનાર અમલદારની પાસે પોતાના પરવાના રજૂ કરવા જ જોઈએ. અદાલતોમાં કંઈ કામસર જાય અથવા મહસૂલ અૉફિસમાં વેપારની કે બાઈસિકલ રાખવાની રજાચિઠ્ઠી લેવા જાય, ત્યાં પણ અમલદાર પરવાના માગી શકે. એટલે કે કોઈ પણ સરકારી ઓફિસની અંદર, તે અૉફિસને લગતું કંઈ કામ લેવાને જાય, તો અમલદાર હિંદીને દાદ આપતાં પહેલાં હિંદીની પાસેથી તેનો પરવાનો માગી શકે. આ પરવાના રજૂ કરવાનો, અથવા પરવાનો રાખનાર માણસની પાસેથી તે વિશેની જે કંઈ પણ હકીકત અમલદાર માગે તેનો ઈનકાર કરવો એ પણ ગુનો ગણાય, અને તેને સારુ પણ કેદ અથવા દંડની સજા કોર્ટ કરી શકે.

આવી જાતનો કાયદો દુનિયાના કોઈ પણ ભાગમાં સ્વતંત્ર માણસોને સારુ હોય એવું મેં જાણ્યું નથી. નાતાલના ગિરમીટિયા હિંદી ભાઈઓને વિશે પરવાનાના કાયદા ઘણા સખત છે એ હું જાણું છું, પણ તેઓ તો બિચારા સ્વતંત્ર ગણાય જ નહીં. છતાં તેઓના પરવાનાના કાયદા અા કાયદાના પ્રમાણમાં હળવા છે એમ કહી શકાય, અને