પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેથી સેવાધર્મ કરવામાં ક્યાંયે તેને સંકોચ થવા વખત આવે અથવા જરાયે અટકાયત થઈ શકે.

આ ટુકડીમાં હું કામ કરતો હતો ત્યાં જ ટ્રાન્સવાલ જેમ બને તેમ જલદી જવા વિશે કાગળો અને તારો આવી જ રહ્યા હતા. એટલે ફિનિક્સમાં સૌને મળીને હું તુરત જોહાનિસબર્ગ પહોંચી ગયો, અને ત્યાં હું ઉપર જણાવી ગયો તે બિલ વાંચ્યું. બિલવાળું ગેઝેટ હું અૉફિસથી ઘેર લઈ ગયો હતો. ઘરની પાસે એક નાની સરખી ટેકરી હતી ત્યાં મારા સાથીને લઈને એ બિલનો તરજુમો 'ઈન્ડિયન ઓપીનિયન'ને સારુ કરી રહ્યો હતો.. જેમ જેમ એ બિલની કલમો હું વાંચતો ગયો તેમ તેમ હું કાંપતો હતો. હું એમાં હિંદીઓના દ્વેષ સિવાય કંઈ જ ન જોઈ શકયો. મને એમ લાગ્યું કે જો આ બિલ પસાર થઈ જાય અને હિંદીઓ તેને કબૂલ રાખે તો દક્ષિણ આફ્રિકામાં હિંદી કોમનો જડમૂળથી પગ ઊખડી જાય. હું સ્પષ્ટ રીતે જોઈ શકયો કે હિંદી કોમને સારુ આ જીવવા-મરવાનો સવાલ છે. મને એમ પણ ભાસ્યું કે કોમ અરજીઓ કરીને સફળ ન થાય તો મૂંગી બેસી ન જ શકે. એ કાયદાને શરણ થવું તેનાં કરતાં તો ભલે મરવું પણ મરાય કેમ ? એવા ક્યા જોખમમાં કોમ ઊતરે અથવા ઊતરવાની હિંમત કરે કે જેથી તેની સામે યા તો જીત અથવા તો મોત એ સિવાય ત્રીજો રસ્તો રહે જ નહીં ? મારે સારુ તો એવી ભયંકર દીવાલ ખડી થઈ કે રસ્તો સૂઝયો નહીં. જે ખરડાએ મને આટલો બધો હલમલાવી દીધો તેની વિગત વાંચનારે જાણવી જ જોઈએ. તેનો સાર નીચે પ્રમાણે છે :

ટ્રાન્સવાલમાં રહેવાનો હક ધરાવનાર દરેક હિંદી પુરુષ, સ્ત્રી અને આઠ વરસ અથવા અાઠ વરસની ઉપરનાં બાલક-બાલિકાએ એશિયાઈ દફ્તરમાં પોતાનાં નામ નોંધાવી પરવાના મેળવવા. એ પરવાના લેતી વખતે જૂના પરવાના અમલદારને સોંપી દેવા. નોંધાવવાની અરજીમાં નામ, ઠામ, જાત, ઉંમર વગેરે આપવાં. નોંધનાર અમલદારે અરજદારના શરીર ઉપર મુખ્ય નિશાનીઓ હોય તે નોંધી લેવી. અરજદારનાં બધાં આંગળાંની અને અંગૂઠાની છાપ લેવી. ઠરાવેલી મુદતની અંદર જે હિંદી સ્ત્રીપુરુષ આ પ્રમાણે અરજી ન કરે તેના ટ્રાન્સવાલમાં