પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સારુ પ્રમાણમાં પૂરતો સામાન હતો એમ કહી શકાય. મગનલાલ ગાંધીએ પણ એ હરીફાઈમાં ભાગ લીધો. તેમને સદાગ્રહ નામ મોકલ્યું. એ શબ્દ પસંદ કરવાનું કારણ જણાવતાં તેમણે લખ્યું કે કોમની હિલચાલ એ એક ભારે આગ્રહ છે અને એ આગ્રહ સદ્ એટલે શુભ છે તેથી તેમણે એ નામ પસંદ કર્યું છે. મેં એમની દલીલનો સાર ટૂંકામાં આપેલો છે. મને એ નામ પસંદ પડ્યું, છતાં હું જે વસ્તુ સમાવવા ઈચ્છતો હતો એનો સમાવેશ તેમાં નહોતો થતો. તેથી મેં દ્ નો ત્ કરી તેમાં ય જેડીને 'સત્યાગ્રહ' નામ બનાવ્યું. સત્યની અંદર શાંતિનો સમાવેશ માની, કંઈ પણ વસ્તુનો આગ્રહ કરતાં તેમાંથી બળ ઉત્પન્ન થાય છે તેથી અાગ્રહમાં બળનો સમાવેશ કરી, હિન્દી હિલચાલને 'સત્યાગ્રહ' એટલે સત્ય અને શાંતિથી નીપજતા બળનું નામ અાપી ઓળખાવવાનું શરૂ કર્યું. અને ત્યારથી પેસિવ રિઝિસ્ટન્સ શબ્દનો ઉપયોગ આ લડતને અંગે બંધ કર્યો. તે એટલે સુધી કે અંગ્રેજી લખાણોમાં પણ ઘણી વખતે પેસિવ રિઝિસ્ટન્સનો ઉપયોગ ત્યજી સત્યાગ્રહ અથવા તો કંઈ બીજા અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આમ જે વસ્તુ સત્યાગ્રહને નામે ઓળખાવા લાગી તે વસ્તુનો અને સત્યાગ્રહ નામનો જન્મ થયો. પેસિવ રિઝિસ્ટન્સ અને સત્યાગ્રહ વચ્ચેનો ભેદ, આપણા ઈતિહાસને આગળ ચલાવ્યા પહેલાં જ, સમજી લેવો એ આવશ્યક છે, તેથી આવતા પ્રકારણમાં આપણે એ ભેદ સમજી લઈશું.


૧૩. સત્યાગ્રહ વિ૦ પેસિવ રિઝિસ્ટન્સ

હિલચાલ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ અંગ્રેજો પણ તેમાં રસ લેતા થઈ ગયા, મારે એટલું કહી દેવું જોઈએ કે, જોકે ટ્રાન્સવાલનાં અંગ્રેજી છાપાંઓ ખૂની કાયદાના પક્ષમાં જ ઘણે ભાગે લખતાં અને ગોરાઓના વિરોધને ટેકો આપતાં, તોપણ કોઈ જાણીતા હિંદીઓ એ અખબારોમાં કંઈ લખે તો તે ખુશીથી છાપતાં. સરકાર પાસે હિંદીઓ તરફથી જતી અરજીઓ પણ પૂરી છાપતાં કે છેવટે