પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કંઈ બચાવ કરવાનો તો હતો જ નહીં. સૌએ પોતાના ગુના કબૂલ કરવાના હતા. મેં કોર્ટની પાસે કંઈ એકરાર પણ રજૂ નહોતો કર્યો. વિચારપૂર્વક અને ધર્મ સમજીને જ હું ખૂની કાયદાની સામે થયેલો છું અને તેને સારુ સજા મળે એ સહન કરવામાં માન સમજીશ, એવા ભાવાર્થનું જ હું બોલ્યો હતો. બે માસની આસાન કેદની સજા થઈ. જે અદાલતમાં હું સેંકડો વખત વકીલ તરીકે ઊભો રહેલો, વકીલમંડળની સાથે બેસતો, તે આજે તહોમતદારના પીંજરામાં ખડો છું, એ વિચાર કંઈક વિચિત્ર લાગ્યો ખરો. પણ એટલું તો મને બરાબર યાદ છે કે વકીલમંડળની બેઠકમાં બેસવામાં જે કંઈ માન મેં માન્યું હશે તેના કરતાં અપરાધીના પીંજરામાં ઊભા રહેવામાં મેં ઘણું વધારે માન માન્યું. તેમાં દાખલ થતાં લેશમાત્ર પણ ક્ષોભ થયાનું મને સ્મરણ નથી. અદાલતમાં તો સેંકડો હિંદી ભાઈઓ, વકીલો, મિત્રો વગેરેની સમક્ષ હું ઊભો હતો. જેવી સજા સંભળાવવામાં અાવી કે તરત કેદીઓને લઈ જવાને દરવાજેથી લઈ જતાં પહેલાં જ્યાં કેદીઓને રાખવામાં આવે છે ત્યાં મને એક સિપાઈ લઈ ગયો.*

તે વખતે મેં બધું મારી આસપાસ સૂમસામ જોયું. કેદીઓને બેસવાનો એક બાંકડો હતો ત્યાં બેસવાનું કહી પોલીસ અમલદાર દરવાજે બંધ કરીને ચાલતો થયો. અહીં મને ક્ષોભ થયો ખરો. હું ઊંડા વિચારમાં પડી ગયો. ક્યાં ઘરબાર ! ક્યાં વકીલાત ! ક્યાં સભાઓ ! એ બધું શું સ્વપ્નવત્ અને આજે હું કેદી ! બે મહિનામાં શું થશે ? બે મહિના પૂરા કાઢવા જ પડશે ? લોકો થોકબંધ પોતાનાં વચન પ્રમાણે ચાલ્યા આવે તો બે મહિના કાઢવા જ શેના પડે ? પણ જે ન જ આવે તો બે મહિના કેટલા બધા લાંબા જશે ?


*અદાલતમાં કેસ ચાલ્યાની વિગત આ પ્રમાણે હતી : "બધાના કેસ નોખા નોખા ચલાવવામાં આવ્યા હતા. મૅજિસ્ટ્રેટે કેટલાકને ૪૮ કલાકમાં અને કેટલાકને સાત કે ચૌદ દહાડામાં ટ્રાન્સવાલ છોડી જવા ફરમાવ્યું. હુકમની મુદત ૧૦મી જાન્યુઆરી, ૧૯૦૮ના રોજ પૂરી થતી હતી. તે જ દહાડે અમને સજા ફરમાવવા કોર્ટમાં હાજર રહેવા હુકમ હતો.