પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે એ માણસ સત્યાગ્રહને સમજતો નથી. એના કહેવાનો અર્થ તો એવો થાય કે આજે પ્રગટ થયેલું બળ એ સાચું નથી પણ એક નશા જેવું ખોટું અને ક્ષણિક છે. અને જો એ વાત ખરી હોય તો આપણને જીતવું ઘટતું જ નથી. અને જીતશું તો જીતેલી બાજી પણ આપણે હારી જવાના. માનો કે સરકારે ખૂની કાયદો રદ કર્યો. પછી આપણે મરજિયાત પરવાના કઢાવ્યા અને ત્યાર બાદ સરકારે એ ખૂની કાયદો ફરી પસાર કર્યો અને ફરજિયાત પરવાના કઢાવવાનું શરૂ કર્યું, તો તે વેળાએ સરકારને કોણ રોકી શકનાર છે ? અને જો આ વખતે આપણા બળને વિશે આપણને શંકા હોય તો તે વખતે પણ આપણી એવી જ દુર્દશા હશે. એટલે, ગમે તે દષ્ટિએ આ સમાધાનીને આપણે તપાસીએ તોપણ એમ કહી શકાય કે, એવી સમાધાની કરવામાં કોમને કશું ખોવાનું જ નથી, પણ કોમ તો ખાટશે જ. અને હું તો એમ પણ માનું છું કે, આપણા વિરોધીઓ પણ આપણી નમ્રતા અને ન્યાયબુદ્ધિ ઓળખ્યા પછી તેઓનો વિરોધ છોડશે અથવા ઓછો કરશે."

આમ, જે એકબે માણસોએ એ નાનકડી મંડળીમાં વિરોધ દર્શાવ્યો હતો તેમના મનનું તો હું સંપૂર્ણ સમાધાન કરી શકયો. પણ જે વંટોળિયો મધરાતની મોટી સભામાં વાવાનો હતો તેનું તો મને સ્વપ્નનુંયે ન હતું. મેં સભાને આખી સમાધાની સમજાવી અને સૂચવ્યું : “આ સમાધાનીથી કોમની જવાબદારી ઘણી વધી પડે છે. આપણે દગાથી અથવા ખોટી રીતે એક પણ હિંદીને ટ્રાન્સવાલમાં દાખલ નથી કરવા ઇચ્છતા એ બતાવવાની ખાતર મરજિયાત પરવાના કઢાવવાના છે. કોઈ ન કઢાવે તો તેને હાલ તો સજા પણ નથી થવાની. પણ ન કઢાવવાનો અર્થ એ જ થવાનો કે કોમ સમાધાની કબૂલ નથી રાખતી. તમે અત્યારે હાથ ઊંચા કરીને સમાધાનીને વધાવશો એ જરૂરનું છે એ હું માગું પણ છું. પણ એનો અર્થ એ જ હોય અને હું એ જ કરવાનો કે, તમે હાથ ઊંચા કરનારા નવા પરવાના કાઢવાની ગોઠવણ થાય કે તરત પરવાના કઢાવવા મંડી જશો; અને અાજ લગી પરવાના ન કઢાવવાનું સમજાવવાને સારુ જેમ તમારામાંના ઘણા સ્વયંસેવકો બન્યા હતા, તેમ હવે પરવાના કઢાવવાનું લોકોને