પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એના કરતાં મારા કોઈ પણ ભાઈને હાથે મરું તેમાં મને દુ:ખ હોય જ નહીં. અને જો તેવે સમયે પણ હું જરાયે ગુસ્સો ન કરું અથવા મારનાર પ્રત્યે દ્વેષ ન કરું તો હું જાણું છું કે, મારું તો ભવિષ્ય જ સુધરે, અને મારનાર પાછળથી તો સમજી જ જાય કે હું તદ્દન નિર્દોષ હતો."

ઉપરના સવાલો થવાનું કારણ સમજાવવાની જરૂર છે. જેઓ કાયદાને વશ થયા હતા તેઓના પ્રત્યે જોકે કંઈ પણ વેરભાવ રાખવામાં નહોતો આવ્યો, છતાં એ કાર્યને વિશે તો સ્પષ્ટ અને આકરા શબ્દોમાં ઘણું કહેવાયું હતું અને ઘણું 'ઈન્ડિયન ઓપીનિયન'માં લખાયું હતું. તેથી, કાયદાને વશ થનારાઓનું જીવન અળખામણું જરૂર થઈ ગયું. તેઓ કદી ધારતા ન હતા કે, કોમનો મોટો ભાગ આબાદ રહી જશે અને એટલે સુધી જોર બતાવશે કે સમાધાન થવાનો પણ વખત આવે. પણ જ્યારે ૧પ૦ ઉપરાંત સત્યાગ્રહીઓ જેલમાં પહોંચી ગયા અને સમાધાનીની વાતો ચાલવા લાગી, ત્યારે કાયદાને શરણ થનારાઓને વધારે વસમું લાગ્યું; અને તેમાં કોઈ એવાય નીકળે કે જે સમાધાની ન ઈચ્છે અને થઈ જાય તો તેમાં ભંગાણ ઇચ્છે.

ટ્રાન્સવાલમાં રહેનાર પઠાણોની સંખ્યા ઘણી ઓછી હતી. બધા મળીને પ૦થી વધારે નહીં હોય, એમ મારી માન્યતા છે. તેઓમાંના ઘણા લડાઈને વખતે આવેલા સિપાઈઓ હતા અને જેમ લડાઈને વખતે આવેલા ઘણા ગોરા દક્ષિણ આફ્રિકામાં વસી ગયા, તેમ લડાઈમાં આવેલા પઠાણો તેમ જ બીજા હિન્દીઓ પણ વસી ગયા હતા. તેમાંના કેટલાક મારા અસીલો પણ થયા હતા અને બીજી રીતે પણ હું તેઓને ખૂબ ઓળખતો થઈ ગયો હતો. તેઓ જાતે બહુ ભોળા હોય છે, શૂરવીર તો હોય છે જ. મારવું અને મરવું એ તેઓની નજરમાં ઘણી સામાન્ય વસ્તુ છે. અને જો તેઓને કોઈના ઉપર રોષ ચડે તો તેને માર મારે – તેઓની ભાષામાં – તેની પીઠ ગરમ કરે અને કોઈ વાર મારી પણ નાખે. આમાં તેઓ કેવળ નિષ્પક્ષપાતી હોય છે. સગો ભાઈ હોય તો તેની સાથે પણ એ જ પ્રમાણે વર્તે. પઠાણોનો એટલો સમુદાય હોવા છતાં, તેઓમાં તકરાર થાય ત્યારે એકબીજા મારામારી કરે જ. આવી મારામારીના