પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧. જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (?)


આંતરિક મુસીબતોનું દર્શન વાંચનારે કંઈક કર્યું. તેમાં ઘણે ભાગે તો મારે આત્મકથા જ આપવી પડી. એ અનિવાર્ય હતું કેમ કે સત્યાગ્રહને લગતી મારી મુસીબતો એ સત્યાગ્રહીઓની પણ મુસીબતો થઈ પડી. હવે આપણે ફરી પાછા બાહ્ય મુસીબતો ઉપર આવીએ છીએ. આ પ્રકરણનું મથાળું લખતાં મને શરમ આવી છે અને આ પ્રકરણ લખતાં શરમ આવે છે, કારણ કે તેમાં મનુષ્યસ્વભાવની વક્રતાનું વર્ણન રહેલું છે. જનરલ સ્મટ્સ એ ૧૯૦૮ની સાલમાં પણ દક્ષિણ આફ્રિકામાં તો સૌથી વધારે હોશિયાર નેતા ગણાતા. આજે તો દુનિયામાં નહીં તો બ્રિટિશ સામ્રાજ્યમાં તે ઊંચા પ્રકારના કાર્યકુશળ પુરુષ ગણાય છે. તેની શક્તિ બહુ મોટી છે, તે વિશે મારા મનમાં શંકા નથી. તે જેવા કુશળ વકીલ તેવા જ કુશળ સેનાપતિ છે, અને તેવા જ કુશળ રાજ્યવહીવટ ચલાવનાર માણસ છે. દક્ષિણ આફ્રિકામાં બીજા વહીવટદારો આવ્યા અને ગયા. પણ ૧૯૦૭ની સાલથી તે આજ લગી આ પુરુષ દક્ષિણ આફ્રિકામાં રાજ્યકારભારની લગામ પોતાના હાથમાં રાખી રહ્યા છે. અને આજ પણ તેની હરીફાઈમાં ઊભી શકે એવો કોઈ માણસ દક્ષિણ આફ્રિકામાં નથી. મને દક્ષિણ આફ્રિકા છોડવાને અા લખાવતી વેળા નવ વર્ષ થયાં. આજે તેને દક્ષિણ આફ્રિકા કયા વિશેષણથી ઓળખે છે તે હું નથી જાણતો. જનરલ સ્મટ્સનું પોતીકું નામ જૅન છે અને તેને દક્ષિણ આફ્રિકાના લોકો 'સ્લિમ જૅની' ના નામથી ઓળખે છે. 'સ્લિમ'નો અર્થ આ ઠેકાણે 'સરકી જાય એવો', 'ઝાલ્યો ઝલાય નહીં એવો', ગુજરાતી ભાષાનો તેને લગતો શબ્દ 'ખંધો', અથવા મીઠું વિશેષણ વાપરીએ તો ઊલટા અર્થમાં 'ચાલાક' એ શબ્દ લાગુ પડી શકે. મને ઘણા અંગ્રેજ મિત્રોએ કહેલું – 'જનરલ સ્મટ્સથી તું સાવધાન રહેજે, એ બહુ પહોંચેલ માણસ છે. એને ફરી જતાં વાર લાગે તેમ નથી. એના બોલવાનો અર્થ એ જ સમજી શકે. અને ઘણી વાર એવી રીતે બોલે છે કે બન્ને પક્ષ તેને પોતાને પ્રિય એવો અર્થ કરી શકે. વળી એ પોતે પ્રસંગ આવે ત્યારે બન્ને પક્ષના