પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ ગણતા હશો. અને જો તમે ન ગણતા હો તો અને તમારા માપથી કોમનું માપ કાઢતા હો તો તમે કોમનું અપમાન કરો. આવી મહાન લડાઈઓમાં ભરતીઓટ તો થયાં જ કરે. ગમે તેવી ચોખવટ કરી હોય તોપણ સામેનો માણસ વિશ્વાસભંગ કરવા બેસે તેને કોણ રોકી શકે ? આ મંડળમાં એવા ઘણાય છે કે જે મારી પાસે પ્રૉમિસરી નોટો દાવા કરવાને સારુ લાવે છે, પોતાના દસ્કત આપી જેણે કાંડાં કાપી દીધાં છે એનાથી વધારે ચોકસાઈ શી થઈ શકે ? તે છતાં તેવાની ઉપર પણ કોરટમાં લડવું પડે છે. તેઓ સામે થાય છે, અનેક પ્રકારના બચાવ કરે છે, ફેંસલા થાય છે, સેજીઓ કઢાય છે. આવા અઘટિત બનાવોને સારું કયાં ચોકસી છે કે જેથી એવું ફરી ન જ બને ? તેથી મારી સલાહ તો એ જ છે કે જે ગૂંચવણ આવી પડી છે તેને આપણે ધીરજથી ઉકેલવી. આપણે ફરીથી લડવું પડે તો આપણે શું કરી શકીએ - એટલે બીજાઓ શું કરશે તેનો વિચાર કર્યા વિના દરેક સત્યાગ્રહી પોતે શું કરશે અથવા કરી શકે છે – એ જ વિચારવાનું રહ્યું. મને તો એમ લાગે છે કે આપણે આટલા સાચા રહીશું, તો બીજા પણ તેવા જ રહેવાના – અથવા જે કંઈ નબળાઈ તેઓમાં આવી હશે તો આપણો દાખલો લઈને તેઓ પોતાની નબળાઈને કાઢી નાખી શકશે."

મને લાગે છે કે ફરી લડત ચાલી શકવા વિશે જેઓએ શુભ હેતુથી ટોણો મારવાને રૂપે શંકા બતાવી હતી તેઓ સમજી ગયા. આ અવસરે કાછલિયા પોતાનું ઝવેરાત દિવસે દિવસે બતાવી રહ્યા હતા. બધી બાબતમાં થોડામાં થોડું બોલી પોતાનો નિશ્ચય જાહેર કરી દેતા અને તેમાં અડગ રહતા. અને મને એક પણ પ્રસંગ એવો યાદ નથી કે, જ્યારે તેમણે નબળાઈ બતાવી હોય અથવા તો છેવટના પરિણામ વિશે શંકા પણ બતાવી હોય. એવો અવસર નજીક આવી ગયો કે જ્યારે ઈસપમિયાં તોફાની સમુદ્રમાં સુકાની રહવા તૈયાર ન હતા. તે વખત સૌએ કાછલિયાને એકમતે વધાવી લીધા, અને ત્યારથી તે છેવટની ઘડી સુધી તેમણે સુકાન ઉપરથી પોતાનો હાથ દૂર ન કર્યો. અને જે મુસીબતો ભાગ્યે જ કોઈ