પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માણસ સહન કરી શકે તે તેમણે નિશ્ચિત અને નિર્ભય થઈને સહન કરી. જેમ લડાઈ આગળ વધતી ગઈ તેમ એવો અવસર આવ્યો કે કેટલાકને સારુ તો જેલમાં જઈ બેસવું એ સહેલું કામ હતું– એ આરામ હતો, પણ બહાર રહી બધી વસ્તુ ઝીણવટથી તપાસવી, તેની ગોઠવણો કરવી, અનેક માણસોને સમજાવવા, એ બધું બહુ વધારે મુશ્કેલ હતું.. એવો અવસર આવ્યો કે જયારે કાછલિયાને ગોરા લેણદારોએ તેમના સાણસામાં પકડયા.

ઘણા હિંદી વેપારીઓના વેપારનો આધાર ગોરા વેપારીઓની પેઢીઓ ઉપર હોય છે. તેઓ લાખો રૂપિયાનો માલ કંઈ પણ ખોળાધરી વિના હિંદી વેપારીઓને ધીરે છે, આવો વિશ્વાસ હિંદી વેપારીઓ સંપાદન કરી શકયા છે એ હિંદી વેપારની સામાન્ય પ્રમાણિકતાનો એક સરસ પુરાવો છે. કાછલિયા શેઠને પણ ઘણી અંગ્રેજી પેઢીઓ તરફથી ધીરધાર હતી. કંઈક પણ સરકાર તરફની સીધી અથવા અાડકતરી ઉશ્કેરણીથી અા વેપારીઓએ કાછલિયાની પાસે રહેલાં પોતાનાં નાણાં તુરત માગ્યાં. તેમણે કાછલિયાને બોલાવી કહ્યું પણ ખરું "જો તમે આ લડતમાંથી નીકળી જાઓ તો અમને નાણાંની કંઈ જ ઉતાવળ નથી. જો તમે તેમાંથી ન નીકળી જાઓ તો અમને ભય છે તમને સરકાર ગમે ત્યારે પકડી લે તો અમારાં નાણાંનું શું થાય ? તેથી જો તમે આ લડતમાંથી ન જ નીકળી શકો તો આમારાં નાણાં તમારે તુરત ભરવાં જોઈએ.” આ વીર પુરુષે જવાબ આપ્યો : “લડત એ મારી પોતાની અંગત વાત છે. તેને મારા વેપારની સાથે કંઈ સંબંધ નથી. તે લડતમાં મારો ધર્મ, મારી પ્રજાનું માન અને મારું પોતાનું સ્વમાન સમાયેલાં છે. તમારી ધીરધારને સારુ હું તમારો આભાર માનું છું પણ તેને કે મારા વેપારને હું સર્વોપરી નથી ગણી શકતો. તમારા પૈસા સોનામહોર જેવા છે. હું જીવતો હોઉં ત્યાં સુધી વેચાઈને પણ તમારા પૈસા ભરું એમ છું, અને ધારો કે મને કંઈ થઈ ગયું તોપણ મારી ઉઘરાણી અને માલ તમારે હસ્તક જ છે એમ તમે સમજી લો. આજ લગી તમે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હું એમ ઈચ્છું છું કે હજુ પણ તમે વિશ્વાસ રાખો." જોકે આ દલીલ તો તદ્દન વાજબી