પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દૂર છે, અને ત્યાં મુખ્યત્વે કરીને રાજદ્વારી માણસો અને તેને લગતી વસ્તી વસે છે. તેથી તેનું વાતાવરણ પ્રમાણમાં શાંત ગણાય, જ્યારે જોહાનિસબર્ગનું અતિશય અશાંત ગણાય. જેમ હિંદુસ્તાનના કોઈ શાંત ગામડામાંથી કે કહો તો નાના સરખા શહેરમાંથી મુંબઈ પહોંચતાં ત્યાંની ધમાલથી અને અશાંતિથી માણસ અકળાઈ જાય, તેમ પ્રિટોરિયાથી જનારને જોહાનિસબર્ગનો દેખાવ લાગે, જોહાનિસબર્ગના શહેરીઓ ચાલતા નથી પણ દોડતા જેવા લાગે છે એમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય. કોઈને કોઈની તરફ જોવા જેટલો અવકાશ હોતો નથી, અને સહુ કેમ વધારેમાં વધારે ધન થોડામાં થોડા વખતમાં મેળવી શકે એ જ વિચારમાં ગરક થઈ ગયેલા જોવામાં આવે છે ! ટ્રાન્સવાલને છોડીને હજી અંતરમાં જ પશ્ચિમ તરફ આપણે જઈએ તો ઓરેન્જ ફ્રી સ્ટેટ અથવા અૉરંજિયાનું સંસ્થાન આવે છે. એની રાજધાની બ્લૂમફૉંટીન છે. એ અતિશય શાંત અને નાનકડું શહર છે. અૉરંજિયામાં ખાણો જેવું કાંઈ નથી. ત્યાંથી થોડા કલાકની જ રેલની મુસાફરીથી આપણે કેપ કોલોનીની સરહદ પર પહોંચી જઈએ છીએ. કેપ કૉલોની મોટામાં મોટું સંસ્થાન છે. તેની રાજધાની તેમ જ મોટામાં મોટું બંદર કેપટાઉનને નામે ઓળખાય છે. ત્યાં જ કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશિર આવેલી છે. ગુડ હોપ એટલે શુભ આશા. વાસ્કો ડી ગામા જયારે પોર્ટુગલથી હિંદુસ્તાનની શોધ પર નીકળી પડ્યો ત્યારે તેણે અહીં બંદર કરેલું અને અહીં તેને આશા બંધાઈ કે હવે તો અવશ્ય પોતાની મુરાદ બર આવશે. તેથી આ જગ્યાને “શુભ આશાની ભૂશિર' એવું નામ આપ્યું. આ ચાર મુખ્ય બ્રિટિશ સંસ્થાનો ઉપરાંત બ્રિટિશ સલ્તનતના “રક્ષણ” નીચે કેટલાક પ્રદેશ છે, જયાં દક્ષિણ આફ્રિકાના યુરોપિયનોના આગમન પહેલાંના વતનીઓ વસે છે. દક્ષિણ આફ્રિકાનો મુખ્ય ધંધો ખેતી જ ગણાય. ખેતીને સારુ એ ઉત્તમ મુલક છે. કેટલાક ભાગો તો અતિશય ફળદ્રુપ અને રળિયામણા છે. અનાજમાં મોટામાં મોટો અને સહેલાઈથી ઊગનારો પાક મકાઈનો છે, અને મકાઈ એ દક્ષિણ આફ્રિકાના હબસી વતનીઓનો મુખ્ય ખોરાક છે. કેટલાક ભાગમાં ઘઉં પણ પાકે છે. ફળોને સારુ