પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોમની માન્યતા હતી. વળી તેઓને થોડુંઘણું અંગ્રેજી જ્ઞાન તો હતું જ. એ ઉપરાંત સોરાબજીના જેટલી તાલીમવાળા હિંદીઓને પણ દાખલ કરવામાં તો સત્યાગ્રહના નિયમનો કંઈ ભંગ હતો જ નહીં. એટલે બે પ્રકારના હિંદીઓને દાખલ કરવાનો ઠરાવ કર્યો. એક તો જેઓ પૂર્વે ટ્રાન્સવાલમાં રહી ગયા હતા તેઓ, અને બીજા જેઓએ ખાસ અંગ્રેજી તાલીમ લીધી હતી તેવા કે જે કેળવાયેલા' વિશેષણથી ઓળખાતા હતા.

આમાં શેઠ દાઉદ મહમદ, પારસી રુસ્તમજી એ બે મોટા વેપારીઓમાંથી હતા અને સુરેન્દ્રરાય મેઢ, પ્રાગજી ખંડુભાઈ દેસાઈ, હરિલાલ ગાંધી, રતનશી સોઢા વગેરે કેળવાયેલામાંથી હતા.

શેઠ દાઉદ મહમદની ઓળખાણ કરાવું. એ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના પ્રમુખ હતા. દક્ષિણ આફ્રિકામાં આવેલા હિંદી વેપારીઓમાં છેક પુરાણા હતા. તેઓ સુરતી સુન્નત જમાતના વોરા હતા. ચતુરાઈમાં તેમની સરખામણી કરી શકે એવા થોડા જ હિંદીઓ મેં દક્ષિણ આફ્રિકામાં જોયેલા. તેમની સમજશક્તિ ઘણી સરસ હતી. તેમનું અક્ષરજ્ઞાન થોડું હતું પણ અનુભવથી તેઓ અંગ્રેજી ને ડચ સારું બોલી જાણતા. અંગ્રેજી વેપારીઓની સાથે પોતાનું કામ સારી રીતે ચલાવતા. તેમની સખાવત પ્રખ્યાત હતી. તેમને ત્યાં હમેશાં પચાસેક મહેમાનોનું જમવાનું તો હોય જ. કોમી ફાળાઓમાં તેમનું નામ અગ્રેસરોમાં જ હોય. તેમને અમૂલ્ય દીકરો હતો. તે તેમનાથી ચારિત્ર્યમાં બહુ જ ચડી જાય. એનું હૃદય સ્ફટિકમણિ સમાન હતું એ દીકરાના ચારિત્ર્યવેગને દાઉદ શેઠે કદી રોકેલ નહીં. પોતાના દીકરાને દાઉદ શેઠ પૂજતા એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાની એક પણ એબ હસનમાં ન હોય એમ ઈચ્છતા. તેને વિલાયત મોકલી સરસ તાલીમ આપી હતી. પણ દાઉદ શેઠ તે રત્નને ભરજુવાનીમાં ખોઈ બેઠા. હસનને ક્ષયના રોગે ઘેરી લીધો ને તેના પ્રાણનું હરણ કર્યું. એ જખમ કદી રુઝાયો નહીં. હસનની સાથે હિંદી કોમની મહાન આશાઓ પણ ડૂબી. હસનને હિંદુ-મુસલમાન ડાબીજમણી આંખ હતા. તેનું સત્ય તેજસ્વી હતું. આજે દાઉદ શેઠ પણ નથી. કાળ કોઈને કયાં મૂકે છે ?