પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીધી હતી. ભોયશિંગને ભૂંજીને પીસવાથી માખણ બને છે. તેની કિંમત દૂધના માખણ કરતાં ચારગણી ઓછી પડતી. નારંગી તો ફાર્મમાં જ પુષ્કળ થતી. ગાયનું દૂધ તો ભાગ્યે જ લેતા. ડબ્બાનું દૂધ વાપરતા.

પણ આપણે પાછા મુસાફરી પર આવીએ. જેમને જોહાનિસબર્ગ જવાનો શોખ થાય તે અઠવાડિયામાં એક વખત કે બે વખત ચાલીને જાય અને તે જ દિવસે પાછા આવે. આગળ જણાવી ગયો છું કે આ પંથ ૨૧ માઈલનો હતો. પગપાળા જવાના આ એક નિયમથી સેંકડો રૂપિયા બચી ગયા, ને ચાલીને જનારને ઘણો ફાયદો થયો. કેટલાકને ચાલવાની નવી ટેવ પડી.. નિયમ એવો હતો કે, આમ જનારે બે વાગ્યે ઊઠવું અને અઢી વાગ્યે ચાલી નીકળવું. બધા છથી સાત કલાકની અંદર જોહાનિસબર્ગ પહોંચી શકતા. ઓછામાં ઓછો સમય લેનારા ચાર કલાક અઢાર મિનિટે પહોંચતા.

વાંચનાર એમ ન માને કે આ નિયમો બોજારૂપ હતા. સહુ તેનું પ્રેમપૂર્વક પાલન કરતા. બળાત્કારે હું એક પણ માણસને ન રાખી શકત. યુવકો મુસાફરીમાં કે આશ્રમ પર બધું કામ હસમુખે વદને તે કલ્લોલ કરતાં કરતા. મજૂરીના કામને વખતે તેઓને મસ્તી ! કરતા રોકવા મુશ્કેલ પડતું. રીઝવીને લઈ શકાય એટલું જ કામ લેવાનો નિયમ રાખ્યો હતો. આથી કામ થોડું થયાનું મને નથી ભાસયું.

પાયખાનાની કથા સમજવા જેવી છે. એવડી વસ્તી હતી છતાં ક્યાંયે કચરો કે મેલું કે એઠવાડ કોઈના જેવામાં ન જ આવે. બધો કચરો જમીન ખોદી રાખી હતી તેમાં દાટી દેવામાં આવતો. પાણી કોઈથી રસ્તામાં ઢોળાય નહીં. બધું વાસણમાં એકઠું કરવામાં આવતું ને તે ઝાડને જતું એઠવાડનું અને શાકના કચરાનું ખાતર બનતું. પાયખાનાને સારુ રહેવાના મકાનની નજીક એક ચોરસ ટુકડો દોઢ ફૂટ ઊંડો ખોદી રાખ્યો હતો તેમાં બધું પાયખાનું દાટવામાં આવતું. તેની ઉપર ખોદેલી માટી ખૂબ દાટવામાં આવતી હતી, તેથી જ યે દુર્ગધ નહોતી રહેતી. માખી પણ ત્યાં ન બણબણે અને ત્યાં મેલું દાટેલું છ એવો કોઈને ખ્યાલ પણ ન આવે. સાથે