પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તલ્લીન થઈ જતા અને ક્ષણવાર તો સાંભળનારને પણ એ સુખ ભોગવવાની ઈચ્છા થઈ જતી. નાનાંમોટાં બધાંની સાથે એ એટલા પ્રેમથી ભળી જતા કે તેમનો અ૯પ વિયોગ પણ સૌને સાલ્યા વિના ન રહે. ફળઝાડનો અત્યંત શોખ હોવાથી માળીનું કામ મિ. કૅલનબૅકે પોતાના હાથમાં રાખ્યું હતું. અને હંમેશાં સવારે બાળકો અને મોટાંઓની પાસેથી ફળઝાડને સમારવાનું કામ લેતા. મહેનત પૂરી કરાવે અને છતાં તેમની સાથે કામ કરવું સૌને ગમે, એવો હસમુખો ચહેરો અને આનંદી સ્વભાવ એમનો હતો. જ્યારે જ્યારે સવારના બે વાગ્યે ઊઠીને ટૉલ્સ્ટૉય ફાર્મથી જોહાનિસબર્ગની મુસાફરી કરનારા નીકળે ત્યારે ત્યારે મિ. કૅલનબૅક એ ટોળીમાં હોય જ.

એમની સાથે ધાર્મિક સંવાદો હંમેશાં થાય. મારી પાસે અહિંસા, સત્ય ઇત્યાદિ યમો સિવાય બીજી વાત તો શી હોઈ શકે ? સર્પાદિ જાનવરોને મારવામાં પાપ છે એ વાતથી પ્રથમ તો જેમ મારા બીજા અનેક યુરોપિયન મિત્રોને થયું તેમ મિ. કૅલનબૅકને પણ આઘાત પહોંચ્યો પણ છેવટે તાત્ત્વિક દૃષ્ટિએ એ સિદ્ધાંત તેમણે કબૂલ કર્યો. જે વસ્તુનો બુદ્ધિ સ્વીકાર કરે તે વસ્તુનો અમલ કરવો યોગ્ય છે અને ધર્મ છે, એમ તેમણે અમારા સંબંધના આરંભમાં જ સ્વીકારી લીધું હતું અને તેથી જ તેઓ પોતાના જીવનમાં મહત્ત્વના ફેરફારો એક ક્ષણમાં વગર સંકોચે કરી શક્યા હતા. હવે જે સર્પાદિને મારવા એ અયોગ્ય હોય તો તેમની મિત્રતા કેળવવાની મિ. કૅલનબૅકને ઇચ્છા થઈ. પ્રથમ તો જુદી જુદી જાતના સર્પોની ઓળખ કરવાની ખાતર સર્પો વિશેનાં પુસ્તકો તેમણે એકઠાં કર્યા. તેમાં તેમણે જોયું કે બધા સર્પો ઝેરી નથી હોતા અને કેટલાક તો ખેતરોના પાકની રક્ષા કરનારા હોય છે. અમને બધાને સર્પોની ઓળખ કરતાં શીખવ્યું અને છેવટે એક જબરદસ્ત અજગર જે ફાર્મમાંથી મળી આવ્યો હતો તેને પાળ્યો. એને હંમેશાં પોતાને હાથે ખાવાનું આપે. નરમાશથી મેં મિ. કૅલનબૅકની સાથે દલીલ કરી કે, 'જોકે તમારો ભાવ શુદ્ધ છે, છતાં અજગર તેને ન ઓળખી શકે, કેમ કે તમારી પ્રીતની સાથે ભય રહેલો છે. એને છૂટો રાખી એની સાથે ગેલ કરવાની તમારી કે મારી કોઈની હિંમત નથી. અને જે વસ્તુ આપણે કેળવવા