પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇચ્છીએ છીએ એ તો એવા પ્રકારની હિંમત. તેથી આ સર્પને પાળવામાં હું સદ્દભાવ જોઉં છું પણ તેમાં અહિંસા નથી. આપણું કાર્ય તો એવું હોવું જોઈએ કે જેને એ અજગર ઓળખી શકે. પ્રાણીમાત્ર ભય અને પ્રીતને ઓળખે છે એવો તો આપણો હંમેશનો અનુભવ છે. વળી એ સર્પને તમે ઝેરી તો માનતા જ નથી. એની રીતભાત, એની ટેવો ઇત્યાદિ જાણવાને ખાતર એને કેદ કરેલો છે. એ એક પ્રકારનો સ્વચ્છંદ છે. મૈત્રીમાં એને પણ સ્થાન નથી.'

મિ. કેલનબેક આ દલીલને સમજયા. પણ એ અજગરને ઝટપટ છૂટો કરવાની એમને ઇચ્છા ન થઈ. મેં કશા પ્રકારનું દબાણ તો નહોતું જ કર્યું. સર્પના વર્તનમાં હું પણ રસ લેતો હતો અને બાળકો તો અત્યંત આનંદ લઈ રહ્યાં હતાં. તેની પજવણી કરવાની સૌને મનાઈ હતી. પણ આ કેદી પોતે જ પોતાનો રસ્તો કાઢી રહ્યો હતો. પાંજરાનું બારણું ઉઘાડું રહી ગયું હશે કે યુક્તિથી પોતે તેને ખોલી શકયો હશે, ગમે તે કારણ હોય – બે ચાર દિવસની અંદર જ એક સવારે મિ. કૅલનબૅક તેના કેદી મિત્રની મુલાકાત લેવા જાય છે તો તેમણે પાંજરું ખાલી જોયું. એ રાજી થયા અને હું પણ રાજી થયો. પણ આ અખતરાથી સર્પ એ અમારી વાતનો હંમેશનો વિપય થઈ પડ્યો હતો. મિ. કૅલનબૅક એક ગરીબ જર્મનને ફાર્મ પર લાવ્યા હતા. એ ગરીબ હતો તેમ અપંગ પણ હતો. તેની ખૂંધ એટલી બધી વળી ગઈ હતી કે લાકડીના ટેકા વિના તે ચાલી જ ન શકે. તેની હિંમતનો પાર ન હતો. શિક્ષિત હોવાથી સૂક્ષ્મ વાતોમાં બહુ રસ લેતો. ફાર્મમાં તે પણ હિંદીઓના જેવો જ થઈને સહુની સાથે હળીમળીને રહેતો. તેણે નિર્ભયપણે સર્પોની સાથે ખેલવું શરૂ કર્યું. અને નાનકડા સર્પોને પોતાના હાથમાં લઈ આવે, અને હથેળી ઉપર રમાડે પણ ખરો. જે ફાર્મ લાંબા વખત સુધી ચાલ્યું હોત તો આ જર્મન જેનું નામ અૉલ્બર્ટ હતું તેના અખતરાનું શું પરિણામ આવત તે તો દૈવ જાણે.

અા અખતરાઓને પરિણામે જોકે સર્પ બાબતનો ભય ઓછો થયો, છતાં કોઈ એમ ન માને કે ફાર્મની અંદર કોઈને સર્પનો ભય જ ન હતો અથવા તો સર્પાદિને મારવાની સહુને મનાઈ હતી. અમુક