પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક અપ્રસ્તુત પસંગની નોંધ અહીં લેવી અયોગ્ય નહીં ગણાય. મને ખોરાકના સુધાર અને અખતરાઓ ધાર્મિક, આર્થિક અને આરોગ્યની દૃષ્ટિએ કરવાનો શોખ લગભગ ૩૫ વરસ થયાં છે. એ શોખ હજીયે મંદ પડયો નથી. એ અખતરાઓની અસર મારી આસપાસનાઓ ઉપર તો પડે જ. એ અખતરાઓની સાથે સાથે દવાઓની મદદ લીધા વિના કુદરતી – જેવા કે પાણીના અને માટીના – ઉપચારોથી દરદ મટાડવાના અખતરાઓ પણ હું કરતો વકીલાત કરતો તે વખતે અસીલોની સાથે મારો સંબંધ કૌટુંબિક જેવો થઈ જતો, તેથી તેઓ પોતાના સુખદુઃખમાં મને ભાગીદાર બનાવતા. કેટલાક આરોગ્ય વિશેના મારા અખતરાઓથી માહિતગાર હોઈ તે વિષયમાં મારી મદદ લેતા. ટૉલ્સટૉય ફાર્મ પર આવી મદદ લેનારા કોઈ કોઈ વખત ચડી આવતા. આમાંનો એક ઉત્તર હિંદુસ્તાનનો પ્રથમ ગિરમીટમાં આવેલો લુટાવન નામનો બુઠ્ઠો અસીલ હતો. તેની ઉંમર સિત્તેર વરસ ઉપરની હશે. તેને ઘણાં વરસનો દમ અને ઉધરસનો વ્યાધિ હતો. વૈદોની ફાકી અને દાકતરોની ખાટલીનો તેણે પુષ્કળ અનુભવ મેળવ્યો હતો. એ વખતના મારા ઉપચારો વિશેના મારા વિશ્વાસનો પણ પાર ન હતો. જે મારી બધી શરતોનું પાલન કરે અને ફાર્મ પર રહે તો તેની ઉપર મારા અખતરા અજમાવવાનું મેં કબૂલ કર્યું. તેની દવા કરવાનું મેં કબૂલ કર્યું એમ તો કેમ જ કહી શકાય ! તેણે મારી શરતો કબૂલ કરી. લુટાવનને તમાકુનું ભારે વ્યસન હતું તમાકુ છોડવી એ શરતોમાંની એક શરત હતી. લુટાવનને એક દિવસનો ઉપવાસ કરાવ્યો. હંમેશાં બાર વાગ્યે તડકામાં કયુની બાથ આપવાનો આરંભ કર્યો. ત્યારની ઋતુ તડકામાં બેસી શકાય તેવી હતી. ખોરાકમાં થોડો ભાત, થોડું ઓલિવ ઓઈલ (જેતૂનનું તેલ), મધ અને સાથે કોઈ વખતે ખીર અને મીઠી નારંગી અથવા દ્રાક્ષ તથા ભૂંજેલા ઘઉંની કાફી; નિમક અને મસાલામાત્ર બંધ હતા. જે મકાનમાં હું સૂતો હતો તે જ મકાનમાં પણ અંદરના ભાગમાં લુટાવનની પથારી હતી. પથારીમાં બધાને બે કામળા રહેતા, એક પાથરવાનો અને એક ઓઢવાનો; અને લાકડાનો તકિયો. એક અઠવાડિયું ગયું. લુટાવનના શરીરમાં તેજ આવ્યું. દમ ઓછો થયો. ખાંસી પણ