પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પણ મળે જ છે એને વિશે મને તો શંકા નથી જ અને કોઈ શંકા ન કરે.


૧૨. ગોખલેનો પ્રવાસ

આમ ટૉલ્સટૉય ફાર્મમાં સત્યાગ્રહીઓ પોતાનું જીવન ગાળી રહ્યા હતા, અને પોતાને નસીબે જે કાંઈ નિર્માયું હોય તેને માટે તૈયાર થઈ રહ્યા હતા. કયારે લડત પૂરી થશે તેની તેઓને ખબર ન હતી, ન તેની ચિંતા હતી. તેઓની પ્રતિજ્ઞા એક જ હતી. કાળા કાયદાને વશ ન થવું અને તેમ કરતાં જે કાંઈ દુ:ખ પડે તે સહન કરવું, લડવૈયાને સારુ લડવું એ જ જીત છે, કારણ કે તેમાં જ તે સુખ માને છે, અને લડવાનું પોતાને હાથ હોવાથી હારજીતનો અાધાર અને સુખદુ:ખનો આધાર પોતાની ઉપર રહે છે. અથવા તો દુ:ખ અને પરાજય જેવી વસ્તુ તેના શબ્દકોશમાં હોતી નથી. ગીતાના શબ્દોમાં કહીએ તો તેને સુખદુઃખ, હારજીત સમાન છે.

છૂટાછવાયા સત્યાગ્રહી કેદમાં જતા હતા. એવો પ્રસંગ ન આવતો હોય ત્યારે ફાર્મની બાહ્ય પ્રવૃત્તિ જોઈને કોઈ એમ માને નહીં કે અહીં સત્યાગ્રહીઓ રહેતા હશે, અથવા તેઓ લડાઈની તૈયારી કરી રહ્યા હશે. તે છતાં કોઈ નાસ્તિક આવી ચડે ત્યારે મિત્ર હોય તો અમારી ઉપર દયા આણે અને ટીકાકાર હોય તો અમને નિંદે. 'આળસ ચડયું છે તેથી અને જંગલમાં પડયાં પડયાં રોટલો ખાઓ છો, જેલથી હારી ગયા છો, તેથી સુંદર ફળવાડીમાં વસી નિયમિત જીવન ગાળી શહેરની જંજાળમાંથી છૂટી ભોગ ભોગવી રહ્યા છો.' આવા ટીકાકારને કેમ કરી સમજાવાય કે સત્યાગ્રહી અયોગ્ય રીતે નીતિનો ભંગ કરી જેલમાં જઈ શકતો જ નથી. એને કોણ સમજાવે કે સત્યાગ્રહીની શાંતિમાં, તેના સંયમમાં લડાઈની તૈયારી છે. એને કોણ સમજાવે કે સત્યાગ્રહીએ મનુષ્યસહાયનો વિચાર સુધ્ધાં છોડી કેવળ ઈશ્વરનો જ આશરો લીધેલો હોય છે. પરિણામ પણ એવું આવ્યું કે કોઈએ નહોતા ધાર્યા એવા સંજોગો આવી ચડ્યા અથવા