પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોરાને મેં જોયો. હું ચેત્યો. મારે તૈયારી તો કરવાની જ ન હતી. પોલીસ અમલદારે કહ્યું :

'તમારે સારુ મારી પાસે વોરંટ છે; મારે તમને કેદ કરવાના છે.'

'ક્યારે ?' મેં પૂછ્યું.

'હમણાં જ.' જવાબ મળ્યો.

'મને કયાં લઈ જશો ?'

'અત્યારે તો નજીકના સ્ટેશન પર અને જ્યારે ગાડી આવશે ત્યારે તેમાં બેસાડી વોક્સરસ્ટ.'

હું બોલ્યો, 'ત્યારે હું કોઈને જગાડયા વિના તમારી સાથે આવું છું. પણ મારા સાથીઓને થોડી ભલામણ કરી લઉં.'

'ખુશીથી.'

પડખે સૂતેલ પી. કે. નાયડુને મેં જગાડયા. તેમને પકડાવાની ખબર આપીને લોકોને સવાર પહેલાં ન જગાડવાનું કહ્યું. સવાર પડચે નિયમસર કૂચ કરવાનું પણ કહી દીધું. કૂચ તો સૂર્યોદય પહેલાં શરૂ કરવાની હતી. જ્યાં વિસામો લેવાનો ને રોટી વહેંચવાનો સમય આવે ત્યાં લોકોને મારા પકડાવાની વાત કહેવી. દરમિયાન જેઓ પૂછે તેને કહેતાં જવું. કાફલાને પકડે તો પકડાઈ જવું, ન પકડે તો નીમેલી રીતે કૂચ જારી રાખવી. નાયડુને કશો ભય તો હતો જ નહીં. નાયડુ પકડાય તો શું એ પણ કહી રાખ્યું.

વોક્સરસ્ટમાં મિ. કૅલનબૅક તો હતા જ.

હું પોલીસની સાથે ગયો. સવાર પડી. વોક્સરસ્ટની ટ્રેનમાં બેઠા. વૉક્સરસ્ટમાં કેસ ચાલ્યો. કેસ મુલતવી રાખવાનું પબ્લિક પ્રૉસિક્યૂટરે જ માગ્યું; કેમ કે તેમની પાસે પુરાવો તો તૈયાર જ ન હતો. કેસ મુલતવી રહ્યો. મેં જામીન ઉપર છૂટવાની અરજી કરીને કારણમાં જણાવ્યું કે, મારી સાથે ર, ૦૦૦ માણસો ૧રર બૈરાંછોકરાં સહિત છે. કેસની મુદત આવે તે દરમિયાન હું તો પાછો લોકોને ઠેકાણે પાડી હાજર થઈ શકું તેમ છું. સરકારી વકીલ જામીનની સામે તો થયો, પણ મેજિસ્ટ્રેટ લાચાર હતો. મારી ઉપર જે આરોપ હતો તે એવો ન હતો કે જેમાં જામીન પર છુટકારો પણ મૅજિસ્ટ્રેટની મુનસફી પર હોય. એટલે મને પચાસ પાઉંડના જામીન ઉપર છોડયો.