પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હડતાળમાંથી મુક્ત રાખેલા. દરેક પગલામાં વિરોધીની સ્થિતિનો વિચાર સત્યાગ્રહીએ કરવો જ જોઈએ.

આવાં અનેક વિવેકનાં દષ્ટાંતોની અદૃશ્ય અસર ચોમેર થયા જ કરતી હું જોઈ શકતો હતો; અને તેથી હિંદીઓની પ્રતિષ્ઠામાં વધારો થયા કરતો હતો અને સમાધાનીને સારુ હવા અનુકૂળ થતી હતી.


ર૪. પ્રાથમિક સમાધાની

આમ સમાધાનને સારુ વાતાવરણ અનુકૂળ થઈ રહ્યું હતું. મિ. એન્ડ્રૂઝ અને હું પ્રિટોરિયા આવ્યા તે જ અરસામાં સર બેન્જામિન રૉબર્ટસન જેને લોર્ડ હાર્ડિંગે ખાસ સ્ટીમરમાં મોકલ્યા હતા તે આવી પહોંચવાના હતા. પણ જનરલ સ્મટ્સે જે દિવસ મુકરર કર્યો હતો તે દિવસે અમારે પહોંચવાનું હતું. તેથી સર બેન્જામિનની રાહ જોયા વગર જ અમે ચાલી નીકળ્યા હતા. રાહ જોવાનું કારણ પણ ન હતું. લડતનું છેવટ તો અમારી શક્તિ અનુસાર જ આવવાનું હતું.

અમે બંને પ્રિટોરિયા તો પહોંચ્યા. પણ જનરલ સ્મટ્સની મુલાકાત મારે એકલાને જ લેવાની હતી. તેઓ સાહેબ રેલવેના ગોરા કામદારોની હડતાળના કામમાં ગૂંથાયેલા હતા. એ હડતાળ એવી ભયંકર હતી કે યુનિયન સરકારે લશ્કરી (માર્શલ) કાયદો જારી કર્યો હતો. આ કામદારોની નેમ માત્ર રોજી વધારવાની જ નહીં પણ સત્તા પોતાના હાથમાં લેવાની હતી; મારી પહેલી મુલાકાત ઘણી જ ટૂંકી થઈ, પણ મેં જોયું કે જે સ્થિતિ જનરલ સ્મટ્સની પહેલાં એટલે કૂચ સમયે હતી તે આજ ન હતી. વાંચનારને યાદ હશે કે તે વખતે જનરલ સ્મટ્સે વાત કરવાની પણ ના પાડી હતી; સત્યાગ્રહની ધમકી તો જેમ તે વેળા હતી તેમ આ વેળા પણ હતી; છતાં વિષ્ટિ કરવા ના પાડેલી. આ વેળા મસલત કરવા તેઓ સાહેબ તૈયાર હતા.

હિંદી કોમની માગણી તો એવી હતી કે, કમિશનમાં હિંદીઓ તરફથી કોઈની નિમણૂક થવી જોઈએ. આ બાબત જનરલ સ્મટ્સ