પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છૂટ મળે તથા જમીનની માલિકી ધરાવવાનો હક મળે. તેથી તેઓને અસંતોષ થયો છે. કેટલાકને તો એટલા કારણસર અસંતોષ રહ્યો છે કે એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી નથી. કેટલાકને એવો અસંતોષ થયો છે કે હિંદીઓને રાહત આપનારા કાયદામાં લગ્નના પ્રશ્નની બાબતમાં જે થયું છે તેથી વિશેષ થવું જોઈતું હતું. તેઓની મારી પાસે એવી માગણી છે કે, ઉપરની બધી બાબતો સત્યાગ્રહની લડતમાં સામેલ કરવામાં આવે. પરંતુ તેમની માગણી મેં નથી સ્વીકારી એટલે સત્યાગ્રહની લડતના મુદ્દા તરીકે જોકે આ બાબતો દાખલ કરવામાં નથી આવી, છતાં એની તો ના નહીં જ પાડી શકાય કે કોઈ દિવસ સરકારે આ બાબતનો વધુ વિચાર કરીને રાહત આપવી જોઈશે. જ્યાં સુધી અહીં વસતી હિંદી કોમને શહેરીઓ તરીકેના પૂરેપૂરા હક આપવામાં નહીં આવે, ત્યાં સુધી સંપૂર્ણ સંતોષની આશા રાખી શકાય નહીં. મારા ભાઈઓને મેં કહ્યું છે કે, તમારે ધીરજ રાખવાની છે અને દરેક યોગ્ય સાધન વડે લોકમત એવો કેળવવાનો છે કે આ પત્રવ્યવહારમાં દર્શાવેલી શરતો કરતાં પણ ભવિષ્યની સરકાર વધુ આગળ જઈ શકે. હું આશા રાખું છું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓ જ્યારે સમજશે કે હિંદુસ્તાનમાંથી ગિરમીટિયા મજૂરો આવવાનું તો હવે બંધ થયું છે, અને દક્ષિણ આફ્રિકામાં નવા આવનારને લગતા કાયદાથી સ્વતંત્ર હિંદીઓનું અહીં આવવું પણ લગભગ રોકાયું છે અને સમજશે કે હિંદીઓની મહત્ત્વાકાંક્ષા અહીંના રાજકાજમાં કોઈ જાતની દખલ કરવાની છે જ નહીં, ત્યારે મેં જણાવ્યા તે હકો હિંદીઓને આપવા જ જેઈએ અને તેમાં જ ન્યાય રહેલો છે એવું તેમને ભાસશે. દરમિયાન, આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં છેલ્લા થોડા મહિના થયા સરકારે જે ઉદાર ધોરણ પકડયું છે તે ઉદાર ધોરણ, આપના પત્રમાં જણાવ્યા મુજબ, અત્યારના કાયદાઓનો અમલ કરવામાં ચાલુ રહેશે તો મારી ખાતરી છે કે, આખા યુનિયનમાં હિંદી કોમ કંઈક શાંતિ ભોગવીને રહી શકશે અને સરકારને હેરાનગતિનું કારણ નહીં થઈ પડે.'