પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવનાર મજૂરની પાસે એવી શરત લખાવી લેવી કે તેઓ ગિરમીટ ખલાસ થયે કાં તો હિંદુસ્તાન પાછા જશે અથવા તો ફરી પાછા ગિરમીટમાં દાખલ થશે. બીજા પક્ષે એવો વિચાર દર્શાવ્યો કે ગિરમીટમાંથી મુકત થયે તેઓ ફરી પાછા ગિરમીટમાં દાખલ થવા ન માગે તો તેઓની પાસેથી સખત વાર્ષિક માથાવેરો લેવો. આ બંને પક્ષનો હેતુ તો એક જ હતો કે ગમે તેમ કરીને પણ ગિરમીટિયો વર્ગ કોઈ પણ કાળે નાતાલમાં સ્વતંત્રતાએ ન રહી શકે. હોહા એટલી બધી થઈ કે છેવટે નાતાલની સરકારે કમિશન નીમ્યું. બંને પક્ષની માગણી તદ્દન ગેરવાજબી હતી અને ગિરમીટિયાઓની હસ્તી આર્થિક દૃષ્ટિએ સમસ્ત પ્રજાને સારુ કેવળ લાભદાયી હતી તેથી કમિશનની પાસે જે સ્વતંત્ર પુરાવો પડ્યો તે બધો ઉપલા બંને પક્ષની વિરુદ્ધ હતો. તેથી તાત્કાલિક પરિણામ તો વિરુદ્ધ પક્ષની દૃષ્ટિએ કંઈ જ ન આવ્યું. પણ જેમ અગ્નિ હોલાયા પછી કંઈક નિશાની મૂકતો જ જાય છે તેમ આ હિલચાલે પણ તેની છાપ નાતાલની સરકાર પર પાડી, પડ્યા વિના કેમ રહે ? નાતાલની સરકાર એટલે મુખ્યપણે ધનિકવર્ગના હિમાયતી. હિંદી સરકારની સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને બંને પક્ષની સૂચનાઓ હિંદી સરકાર પાસે થઈ. પણ હિંદી સરકાર એકાએક એવી સૂચના કેમ કબૂલ કરી શકે કે જેથી ગિરમીટિયાઓ હંમેશને સારુ ગુલામગીરીમાં રહે ? ગિરમીટમાં હિંદીઓને એટલે દૂર મોકલવાનું એક કારણ અથવા તો બહાનું એ હતું કે ગિરમીટિયાઓ ગિરમીટ પૂરી થયે સ્વતંત્ર થઈ પોતાની શક્તિ પૂરેપૂરી કેળવી તે પ્રમાણે આર્થિક સ્થિતિ સુધારી શકશે. આ વેળાએ નાતાલ ક્રાઉન કૉલોની હતું એટલે કૉલોનિયલ અૉફિસ પણ ક્રાઉન કૉલોનીના વહીવટ સારુ પૂરી જવાબદાર ગણાવાથી ત્યાંથીયે નાતાલને પોતાની અન્યાયી ઈચ્છા પૂરી પાડવામાં મદદ ન મળી શકે, એથી અને એવા પ્રકારનાં બીજાં કારણોથી નાતાલમાં જવાબદાર રાજ્યાધિકાર મેળવવાની હિલચાલ શરૂ થઈ. આ સત્તા ૧૮૯૩-'૯૪માં મળી. હવે નાતાલને જોર આવ્યું. કૉલોનિયલ અૉફિસને પણ ગમે તેવી નાતાલની માગણીઓ હોય તેનો સ્વીકાર કરવામાં બહુ મુશ્કેલી ન આવે. નાતાલની અા નવી એટલે જવાબદાર સરકાર તરફથી હિંદુસ્તાનની સરકાર સાથે