પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મસલત કરવા એલચીઓ આવ્યા. તેઓની માગણી પચીસ પાઉંડ એટલે રૂ.૩૭પનો વાર્ષિક માથાવેરો ગિરમીટમુક્ત દરેક હિંદી પર નાખવાની હતી. એનો અર્થ જ એ થયો કે એ કર કોઈ પણ હિંદી મજૂર ભરી શકે નહીં અને તેથી તેનાથી સ્વતંત્ર રીતે નાતાલમાં રહી શકાય નહીં. તે વખતના વાઈસરોય લોર્ડ એલ્ગિનને આ સૂચના બહુ ભારે પડતી લાગી અને છેવટે તેમણે ત્રણ પાઉંડનો વાર્ષિક માથાવેરો કબૂલ રાખ્યો.[૧] આ માથાવેરો માત્ર મજૂર ઉપર જ નહીં પણ એ, તેની સ્ત્રી, અને તેર વર્ષ કે તેથી ઉપરની છોકરી અને સોળ વર્ષ કે તેથી ઉપરના છોકરાએ પણ આપવો જોઈએ ! ભાગ્યે જ કોઈ મજૂર એવો હોય કે જેને સ્ત્રી અને બે છોકરાં ન હોય. એટલે સામાન્ય રીતે દરેક મજૂરે બાર પાઉંડનો વાર્ષિક કર ભરવો જોઈએ. આ વેરો કેટલો ત્રાસદાયક થઈ પડ્યો એનું વર્ણન થઈ ન શકે. એનું દુ:ખ અનુભવી જ જાણે અથવા એ નજરે જોયું હોય એ કાંઈક સમજી શકે. નાતાલ સરકારના આ પગલાની સામે હિંદી કોમ ખૂબ ઝૂઝી હતી. વડી (બ્રિટિશ) સરકારને અને હિંદી સરકારને અરજીઓ ગઈ. પણ એનું પરિણામ આ પચીસના ત્રણ પાઉંડ થવા ઉપરાંત કંઈ જ ન આવ્યું. ગિરમીટિયા પોતે તો એ બાબત શું કરી શકે કે શું સમજી શકે ? હિલચાલ તો કેવળ હિંદી વેપારીવર્ગ દેશદાઝથી કહો કે પરમાર્થદષ્ટિથી કરેલી.

જેમ ગિરમીટિયાઓનું તેમ જ સ્વતંત્ર હિંદીઓનું થયું. તેઓની સામે પણ મુખ્ય ભાગે એવાં જ કારણોથી નાતાલના ગોરા વેપારીઓએ હિલચાલ શરૂ કરેલી. હિંદી વેપારીઓ સારી રીતે જામ્યા. તેઓએ સારા સારા લત્તાઓમાં જમીનો ખરીદ કરી. ગિરમીટમુક્ત થયેલા હિંદીઓની વસ્તી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેઓને જોઈતી ચીજોનો ઉપાડ સારો થવા લાગ્યો, હજારો બસતા ચાવલ હિંદુસ્તાનથી આવે અને તેમાંથી સારો નફો મળે. આ વેપાર મોટે ભાગે અને સ્વાભાવિક રીતે હિંદી વેપારીના કબજામાં રહ્યો. વળી હબસીઓની

  1. ગિરમીટિયાની કમાણીને ધોરણે, આ ત્રણ પાઉંડનો કર તેની ૬ માસની કમાણી બરોબર થયો !