પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લઈને ન થઈ શકે તેમાંયે વળી હું પાયો નાખનાર રહ્યો. તે વખતના મારા વિચારો પ્રમાણે બૅરિસ્ટરીને છાજે અને કોમને પણ શોભાવે એવા દમામથી મારે રહેવું જોઈએ, એટલે ખરચ પણ મોટું, લોકોની પાસેથી દાબીને પૈસો કઢાવવો, પ્રવૃત્તિઓ વધારવી, એની સાથે જો મારી આજીવિકા ભળે તો બે વિરોધી વસ્તુઓનો સંગમ થયો ગણાય. એથી મારી પોતાની કામ કરવાની શક્તિ પણ ઓછી થાય. એવા પ્રકારનાં અનેક કારણોથી જાહેર સેવાને સારુ મેં પૈસો લેવાની ચોખ્ખી ના પાડી. પણ મેં સૂચવ્યું, "જો તમારામાંના મુખ્ય વેપારીઓ મને તમારી વકીલાત આપો અને તેને અર્થે મને અગાઉથી રટિનર આપો તો હું રહવા તૈયાર છું. એક વરસનાં રટિનર તમારે આપવાં જોઈએ. વરસનો અનુભવ અરસપરસ આપણે લઈએ, આપણા કામનું સરવૈયું આપણે કાઢીએ અને પછી યોગ્ય લાગે તો આગળ કામ ચલાવીએ." આ સૂચના બધાએ વધાવી લીધી. મેં વકીલાતની સનદની અરજી કરી. ત્યાંની લૉ સોસાયટી એટલે વકીલ મંડળ મારી અરજીની સામે થયું. તેમની દલીલ એક જ હતી કે નાતાલના કાયદાના રહસ્ય પ્રમાણે કાળા કે ઘઉંવર્ણા લોકોને વકીલાતની સનદ ન જ આપી શકાય. મારી અરજીની હિમાયત ત્યાંના પ્રખ્યાત વકીલ મરહૂમ મિ. એસ્કંબે[૧] કરેલી. સામાન્ય રીતે લાંબા વખતથી એવો રિવાજ ચાલ્યો આવતો હતો કે વકીલાતની સનદની અરજી કાયદાશાસ્ત્રીઓમાંથી જે આગેવાન હોય તે જ વગર ફીએ કોરટની પાસે રજૂ કરે. એ રિવાજની રૂએ મિ. એસ્કંબે મારી વકીલાત સ્વીકારેલી. તેઓ દાદા અબ્દુલ્લાના મોટા વકીલ પણ હતા. વકીલમંડળની દલીલ વડી અદાલતે રદ કરી. મારી અરજી કબૂલ રાખી. અામ અનિચ્છાએ વકીલમંડળનો વિરોધ એ બીજી પ્રખ્યાતિનું કારણ થઈ પડયું. દક્ષિણ આફ્રિકાનાં અખબારોએ વકીલમંડળની હાંસી કરી અને કેટલાકે મને મુબારકબાદી પણ અાપી.

  1. મિ. એસ્કબ એટનીં-જનરલ હતા ને પાછળથી નાતાલના વડા પ્રધાન થયેલા.