પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે ચાલચલાઉ કમિટી કરવામાં આવી હતી તેને સ્થાયી રૂપ અપાયું, મેં કોંગ્રેસની એકે સભા જોયેલી તો ન હતી પણ કોંગ્રેસ વિશે વાંચ્યું હતું, હિંદના દાદાનાં દર્શન કર્યા હતાં. તેમને હું પૂજતો હતો. એટલે કોંગ્રેસનો ભક્ત હોઉં જ. કોંગ્રેસનું નામ લોકપ્રિય કરવું એ પણ વૃત્તિ. નવો જુવાનિયો નવું નામ શું શોધે ! ભૂલ કરવાની પણ ભારે ભીતિ, એટલે કમિટીને નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ એ નામ ધારણ કરવાની મેં સલાહ આપી. કોંગ્રેસ વિશેનું મારું અધૂરું જ્ઞાન મેં અધૂરી રીતે લોકોને સમજાવ્યું, પણ ૧૮૯૪ના મે કે જૂન મહિનામાં કોંગ્રેસ સ્થપાઈ. હિંદી સંસ્થામાં અને આ સંસ્થામાં એટલો તફાવત હતો કે નાતાલની કોંગ્રેસ એ હમેશાં મળનારી સંસ્થા રહી. અને તેમાં વર્ષમાં ઓછામાં ઓછા ૩ પાઉડ આપી શકે તે જ સભાસદ થાય. વધારેમાં વધારે તો જે આપે તે લેવું. વધારે લેવાનો આગ્રહ પણ ખૂબ રાખ્યો. પાંચસાત સભાસદ વરસના ર૪ પાઉંડ અાપનાર પણ નીકળ્યા. ૧ર પાઉંડ આપનારની સંખ્યા તો ઠીક હતી. એક મહિનાની અંદર ત્રણસેંક સભાસદ નોંધાઈ ગયા. તેમાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી એમ બધા ધર્મ, અને બધા પ્રાંતના – એટલે જે જે પ્રાંતના હિંદી ત્યાં હતા તેમાંના – દાખલ થયા. પહેલું આખું વર્ષ ઘણા જોસથી કામ ચાલ્યું. શેઠિયાઓ પોતાનાં વાહન લઈને દૂર દૂર ગામડાંઓમાં નવા સભાસદો કરવા અને લવાજમ મંડાવવા નીકળી પડે. માગો કે તુરત સૌ આપી ન દે. તેમને સમજાવવા જોઈએ. આમ સમજાવવામાં એક પ્રકારના રાજપ્રકરણી તાલીમ મળતી હતી અને લોકો પરિસ્થિતિથી વાકેફ થતા હતા. વળી દર મહિને એક વખત તો કોંગ્રેસની સભા ભરાય જ. તેમાં એ મહિનાનો પાઈએ પાઈનો હિસાબ સંભળાવવામાં આવ અને તે પાસ થાય. એ મહિનાની અંદર બનેલી બધી હકીકતો પણ સંભળાવવામાં આવે, અને તે મિનિટ બુકમાં દાખલ થાય. સભાસદો જુદા જુદા સવાલો પૂછે. નવાં કારાની મસલત થાય. આ બધું કરતાં જેઓ કદી આવી સભામાં બોલતા ન હોય તે બોલતા થઈ જાય. ભાષણો પણ વિવેકસર જ કરવાં જોઈએ. આ બધો નવો અનુભવ. લોકોએ