પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમને પણ કંઈક હશે એમ તમે માનજો.” એ પેઢીના જે જૂના વકીલ હતા.[૧] તે પણ હિંમતવાન અને બહાદુર હતા. ભાગ્યજોગે એ જ અરસામાં મરહુમ મનસુખલાલ નાજર (સુરતના કાયસ્થ અને મરહૂમ નાનાભાઈ હરિદાસના ભાણેજ) આફ્રિકા પહોંચ્યા. હું તેમને નહોતો ઓળખતો. તેમના જવાની પણ મને કંઈ ખબર નહીં હતી. મારે ભાગ્યે જ કહેવું જોઈએ કે “નાદરી” "કુસ્લેન્ડ"ના ઉતારુઓને લાવવામાં મારો કંઈ જ હાથ ન હતો. તેઓમાંના મોટે ભાગે દક્ષિણ આફ્રિકાના જૂના રહીશ હતા. તેમાંયે ઘણા તો ટ્રાન્સવાલ જવાને ચડેલા હતા. આ ઉતારુઓને વાસ્તે પણ ધમકીની નોટિસો કમિટીએ મોકલી, કેપ્ટનોએ ઉતારુઓને વંચાવી. તેમાં સાફ રીતે લખેલું હતું કે 'નાતાલના ગોરાઓ ઉશ્કેરાયેલા છે અને તેઓની આવી સ્થિતિ જાણ્યા છતાં પણ જો હિંદી ઉતારુઓ ઊતરવાનો પ્રયત્ન કરશે તો બંદર ઉપર કમિટીના માણસો ઊભા રહેશે અને એકેએક હિંદીને દરિયામાં ધકેલી દેશે.” 'કુસ્લેન્ડ'ના ઉતારુઓને અા નોટિસનો તરજુમો મેં સંભળાવ્યો. 'નાદરીના ઉતારુઓને ત્યાંના કોઈ અંગ્રેજી જાણનાર ઉતારુએ સમજાવ્યો. બંનેએ પાછા જવાની ચોખ્ખી ના પાડી. એમ પણ જણાવ્યું કે ઘણા ઉતારુઓને તો ટ્રાન્સવાલ જવાનું છે. નાતાલમાં ઊતરવા ઈચ્છે છે તેમાંના પણ ઘણા તો નાતાલના જૂના રહીશ છે. ગમે તેમ હો. પણ દરેકને નાતાલમાં ઊતરવાનો કાયદેસર હક છે અને કમિટીની ધમકી છતાં પોતાનો હક પુરવાર કરવા ઉતારુઓ ઊતરશે જ.'

નાતાલની સરકાર પણ થાકી. અયોગ્ય પ્રતિબંધ કેટલા દિવસ ચાલી શકે ? ર૩ દિવસ તો થઈ ગયા પણ ન ડગ્યા દાદા અબ્દુલ્લા કે ન ડગ્યા હિંદી ઉતારુ. એટલે ૨૩ દિવસ પછી પ્રતિબંધ છૂટ્યો અને સ્ટીમરને અંદર આવવાની રજા મળી. દરમ્યાન મિ. એસ્કંબે ઉશ્કેરાયેલી કમિટીને શાંત પાડી. તેમણે સભા ભરી કહ્યું, ડરબનમાં ગોરાઓએ ખૂબ એકતા અને હિંમત બતાવી. તમારાથી જેટલું થયું એટલું તમે કર્યું સરકારે પણ તમને મદદ કરી. આ લોકોને ર૩

  1. મિ. એફ. એ. લૉટન.