પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિવસ સુધી પ્રતિબંધમાં રાખ્યા. તમારી લાગણીનું અને તમારા જુસ્સાનું જે દૃશ્ય તમે બતાવ્યું છે એ બસ છે. આની ઊંડી અસર વડી સરકાર પર પડશે. તમારા કાર્યથી નાતાલની સરકારનો માર્ગ સરળ થયો છે. હવે જો તમે બળ વાપરીને એક પણ હિંદી ઉતારુને આવતો અટકાવો તો તમારા કામને તમે જ નુકસાન પહોંચાડશો. નાતાલની સરકારની સ્થિતિ કફોડી કરશો. એમ કરતાંયે અા લોકોને અટકાવવામાં તમે સફળ નહીં થાઓ. ઉતારુઓનો તો કાંઈ વાંક જ નથી. તેઓમાં તો સ્ત્રીઓ અને બાળકો પણ છે. મુંબઈથી ચડયા ત્યારે તમારી લાગણીની તેમને ખબર પણ નહીં હતી. એટલે હવે તમારે મારી સલાહ માનીને વિખેરાઈ જવું જોઈએ, અને આ લોકોને આવતાં જરાયે અટકાયત નહીં કરવી જોઈએ. પણ હું તમને એટલું વચન આપું છું કે હવે પછી આવનારાઓના સંબંધમાં અંકુશ રાખવાનો અખત્યાર નાતાલની સરકાર ધારાસભાની પાસેથી મેળવશે. આ તો મેં ભાષણનો સાર જ આપેલો છે. મિ. એસ્કંબના સાંભળનારા નિરાશ તો થયા, પણ મિ. એસ્કંબનો પ્રભાવ હમેશાં નાતાલના ગોરાઓ ઉપર ઘણો હતો. તેમના કહેવાથી તેઓ વીખરાયા. બંને આગબોટો બારામાં આવી.

મારે વિશે તેમણે કહેવડાવેલું કે મારે દિવસ છતાં સ્ટીમર ન છોડવી. સાંજે પોર્ટના સુપરિન્ટેન્ડેન્ટને મને લેવાને મોકલશે તેની સાથે મારે ઘેર જવું. મારું કુટુંબ ગમે ત્યારે ઊતરી શકે છે. એ કંઈ કાયદેસર હુકમ ન હતો, પણ કેપ્ટનને મને ન ઊતરવા દેવાની ભલામણ હતી અને મારે માથે ઝઝૂમી રહેલા જોખમની ચેતવણી હતી. કેપ્ટન મને જબરદસ્તીથી રોકી શકે એમ તો ન હતું. પણ મેં માન્યું કે મારે આ સૂચના કબૂલ રાખવી જોઈએ. મારાં બાળબચ્ચાંને મારે ઘેર નહીં મોકલતાં ડરબનના પ્રખ્યાત વેપારી અને મારા જૂના અસીલ અને મિત્ર પારસી રુસ્તમજીને ત્યાં મોકલી અાપ્યાં અને તેઓને ત્યાં મળવાનું કહ્યું, ઉતારુઓ વગેરે ઊતરી ગયા તેટલામાં મિ. લૉટન – દાદા અબદુલ્લાના વકીલ ને મારા મિત્ર –આવ્યા અને મને મળ્યા. મને પૂછયું, “તમે હજુ કેમ નથી ઊતર્યા ? મેં મિ. એસ્કંબના કાગળની વાત સંભળાવી. એમણે કહ્યું કે “મને