પૃષ્ઠ:Dalpatram Rachit Kavyo.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આકાશની ગરબી


જોયા બે જીના જોગી રે, કહે સૈયર તે કોણ હશે?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

અધગડી થાતા નથી અળગા રે,કહે સૈયર તે કોણ હશે?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

મનધારી પરસ્પર માયા રે,કહે સૈયર તે કોણ હશે?
બન્નેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

એક સ્થિર રહે એક દોડે રે,કહે સૈયર તે કોણ હશે?
પણ જણાય જોડે જોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે?
દીસે છે રૂડા રૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે?
બે ગોળ ધર્યાં માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

વસ્તીમાં વળી વગડામાં રે, કહે સૈયર તે કોણ હશે?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.