પૃષ્ઠ:Dalpatram Rachit Kavyo.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

એની ઉંમર કાંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે?
પણ ભૂલી ફરી ભણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

કંઈ ઊપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

કોણ જાણે જન્મ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે?
ક્યાં સુધી કાયા ધારે રે? જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે?
સખી કોણ મુજને સતાવે રે? જ્યાં જોઉં ત્યાં વાસ વસે.

અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે?
દિલે દીઠું રે દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.