પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



[3]

“મેરિયો ! તમે એમ માનો છો કે આની પાછળ કાળો પંજો નથી ?” બેટીનાએ ફફડતા અવાજે પૂછ્યું.

“કાળો પંજો ? આ કાવતરું કાળા પંજાનું ?” મેરિયો બેટીનાની સામે તાકી રહ્યો.

“ઘરમાં ચાલો. પવનને પણ કાન છે, પ્યારા !”

બન્ને અંદર ગયાં. બેટીનાએ ભેદ પ્રગટ કર્યો : “આપણો પડોશી, મિસ્ત્રી પાઓલો નેગ્રી - એના પર કાગળો આવે છે - નેપલ્સથી. મેં પોતે જ એના ઘરમાં નેપલ્સની છાપવાળો કાગળ જોયો છે.”

“ઓ રે ઘેલી ! એ તો એના ભાઈનો લખેલો હશે.”

“ના, એનો ભાઈ તો ગુજરી ગયો છે. એનું શબ તો દટાયું છે અહીંના કબ્રસ્તાનમાં. ઓ મેરિયો ! આ કબ્રસ્તાનની અંદર એ જ ‘કાળો પંજો’ ડોકિયાં કરે છે.”

રાતના અંધકારના ઓળા ઊતરતા હતા તેને મેરિયો બારીમાંથી જોઈ રહ્યો. એ ઓળાયા કોના હતા ! – પોતાની જીવનસર્વસ્વ બેટીનાને ઉઠાવી જતા અનેક પંજાઓ જાણે કે અંધકારમાં આંગળાં પસારી રહેલા છે.

નિઃશ્વાસ મૂકીને એ ઊભો થયો. સામેના ખૂણામાં પડેલી પોતાની ‘ડ્રીલિંગા’ – બે-જોટાળી બંદૂક – ઉઠાવી. માથા પર ટોપી નાખી ડ્રીલિંગાને ખંભે ચડાવી.

“ક્યાં ચાલ્યા – અત્યારે ?” બેટીના ચમકી ઊઠી.

“ગભરાઈશ નહિ, હું તોફાન કરવા નથી જતો. પાઓલો નેગ્રીને જરા દબડાવી આવું. એ મને ઓળખે છે. સાચી વાત હું એની કનેથી કઢાવી લઈશ.”

“જોજો હોં !ખામોશ !” બેટીનાએ એને કંઠે હાથ વીંટાળી દીધા : “આપણાં બચ્ચાંનો વિચાર કરજે, ઓ મેરિયો !”

એણે બેટીનાના ગાલ પર મીઠી. ટપલી મારી. ખાતરી આપતો હોય તેમ માથું ધુણાવ્યું. ને પછી કમાડને લાત મારી ઉઘાડી એ બહાર નીકળી ગયો.

પડોશી પાઓલો નેગ્રીને ઘેર પહોંચે છે ત્યાં જ એણે શું દીઠું ! કાળા બુરખાવાળી એક પડછંદ-ઓરતને દોટમદોટ એ ઘરમાં પેસતી દીઠી. એને પ્રવેશ કરાવીને બારણું બિડાઈ ગયું. મેરિયોએ એ અજાણી ઓરતના લેબાસ અને ચહેરાની જરીક ઝાંખી કરી લીધી.

આ પરદેશણ કોણ ! મેરિયોનું કલેજું કોઈ મોટા સંચા સમું ધબકી ઊઠ્યું. બિલ્લીપગલે એ બારણા પાસે પહોંચ્યો. લપાઈને ઊભો રહ્યો. કાન માંડ્યા.

અંદર કોઈ એક મંડળી બેસીને વાતો કરી રહી છે. કશીક ખાનગી મસલત ચાલે છે.

ઓચિંતા એ ગણગણાટની અંદર, જાણે કે અર્ધશૂન્ય અવાજને ચીરીને એક અટ્ટહાસ ઊઠ્યું. ને આટલા બોલ સંભળાયા : “પછી જે થવાનું હોય તે ભલે થાય. મને પરવા નથી. પણ એક વાર એને ગામ બહાર નિકાલો. એનો ટાંટિયો આંહીંથી કાઢો.”

શબ્દેશબ્દ ઝિલાયો. અવાજ પરખાયો – સાંઈ ડૉન ફેબ્રિસનો જ એ કંઠસ્વર. મેરિયો ચોંકીને ટટ્ટાર બન્યો. એના કલેજામાં સૂતેલો લડાયક પ્રાણ જાગી ઊઠીને નસેનસમાં પુકારી ઊઠ્યો. બંદૂકનો કુંદો કમાડ પર પછાડીને એણે અવાજ દીધો : “ખોલ જલદી, નહિ તો

મેરિયો શિકારી
439