પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જ હોય, તો ભલો થઈને ખેસવી લે. ક્યાંક વછૂટી જશે. ન્યૂયૉર્કમાં તારા વિવાહમાં હું હાજર હતો એ યાદ કર.”

મારા બોલના જવાબમાં એના મોંમાંથી એક હાહાકાર નીકળી પડ્યો. એ નિસાસામાં જાણે કે સિસોટી વાગતી હતી. પછી વેદના અને આશા વડે ધ્રૂજતા ઘોર અવાજે એણે મને પૂછ્યું : “માથે ખુદાને રાખીને બોલો, કોણ છો તમે ?”

મેં ઓળખાણ આપી : “જ્યારે તારો સસરો ફેરારી માર્યો ગયો ત્યારે હું ઇન્સ્પેક્ટર શર્લીની સાથે હતો ને, ભાઈ !” એમ કહી મેં મારું નામઠામ દીધું, એની પાસે આવવાનું કારણ જણાવ્યું.

તત્કાળ મેં એ બંદૂક નીચે પડ્યાને ધબકારો સાંભળ્યો અને મારું શરીર બે પડછંદ ભુજાઓની પ્રીતિભરી બાથમાં ભીંસાઈ ગયું. કેટલીય વાર સુધી મેરિયોનું માથું મારા હૈયા ઉપર ઢળેલું રહ્યું. એના રુદનનાં ધ્રુસકાં એના આખા કલેવરને હલમલાવી રહ્યાં હતાં. એ ધ્રુસકાં નહોતાં, પણ બહાદુર આદમીના ભુક્કો બની ગયેલા આત્માનાં સૂકાં આંસુડાં હતાં.

“ઓ ભાઈ ! ઓ દોસ્ત !” મેરિયોના હૈયાને ચીરીને આર્તનાદ નીકળ્યો. એ આર્તસ્વરે મારી આંખોને ભીની કરી : “આટલાં દારુણ દુઃખનાં વરસો પછી તમારી સાથેનો આ મેળાપ મારા હૈયામાં શું શું મચાવી મૂકે છે તે તમે કદી નહિ સમજો, ઓ મારી અંધારી વેળાના સાચા દોસ્ત ! શું કહું ? આવો અંદર. સગડી કરીને તાપીએ.”

કોઈ પક્ષીના કંઠસ્વર જેવી સીટી એણે મારી. ઝાડની ઘટામાંથી એક કાળો આકાર સામે આવ્યો. એને બાજુમાં લઈ જઈને બહારવટિયાએ કંઈક સૂચના આપી, પછી એ અમારી સાથે આવી બેઠો. ઘડીકમાં તો કોલસાની તાપણી તપી ઊઠી. એ તાપના અજવાળામાં મેં મેરિયોના દીદાર દીઠા. એનો બંકો, સુડોલ, ખડતલ ચહેરો ફિક્કો ને કદરૂપ બની ગયેલો : એના ગાલ પર કાળું દાટું છવાઈ ગયેલું અને ઘટાદાર ભવાંની નીચેની મારી સામે આતુર મીટ માંડતી એ બે આંખોમાં વલોવાઈ રહેલી વેદનાને તો હું કદી નહિ ભૂલું. એનાં કપડાં લીરેલીરા થઈ ગયેલાં હતાં, ને પગના જોડાના તો ચૂંથા જ નીકળી ગયેલા. એ બોલ્યો : “આજ ત્રણ દિવસ અને ત્રણ રાતથી મારી પાંપણો ભેગી નથી થઈ, ભાઈ ! મારે તો બસ પહાડ પછી પહાડ ખૂંદવાનું જ હતું.”

એક ખરબચડા પાટિયા પર એ ઢળી પડ્યો. એણે ખાધું ને બીડી પીધી તેટલી વાર મેં એને બધું વૃત્તાંત કહ્યું.

“હું ગાંડો થઈ ગયો તે પછી આજ આ પહેલી બીડી છે, હો ભાઈ !” બાપડો ધુમાડા કાઢતાં કાઢતાં રાક્ષસી હાસ્ય કરતો બોલ્યો : “હું મારી બજર લેવી જ ભૂલી ગયો છું.”

મેં એને બેટીનાનો સંદેશો કહ્યો, ને એની હકીકતવાળાં છાપાં આપ્યાં. અંગારાને અજવાળે એણે છાપાં પર નજર ફેરવી. પોતાને વિશે મોટાં મથાળાં વાંચીને એ બોલ્યો : “એ…મ ! હું જલ્લાદ છું એમ કે ? ફિકર નહિ હું જલ્લાદ – સાત વાર જલ્લાદ ! પણ મારા જેવા બે-પાંચ જ જલ્લાદો જો હોત ને, તો બચ્ચા ‘કાળા પંજા’ને એક વરસની અંદર જગત પરથી સાફ કરી નાખત. હું જલ્લાદ – એમ ?”

મેં એને એની ભવિષ્યની પેરવીના પ્રશ્નો પૂછ્યા. એણે એક પણ ઉત્તર ન વાળ્યો. ફક્ત એક ઓવરકોટ અને તમાકુ સિવાય બીજું કશું જ એણે ન સ્વીકાર્યું. એ બોલ્યો : “તમે સમજી શકો છો કે તમારી પાસેથી થોડાં નાણાં મેળવવા હું કેટલો આતુર છું. પણ

446
બહારવટિયા-કથાઓ