પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બહારવટિયાને ફાંસલામાં લેવા સારુ પોલીસ-અમલદાર ચાલ્યો ગયો. રસ્તાને બન્ને છેડે પહેરો બેસી ગયો.

પોલીસવાળા ગયા પછી અમે એ ભરવાડની પછવાડે ચાલ્યા. એક ધર્મશાળામાં અમે સહુ ભેળા થયા. મેં એને મારા મેજ પર બોલાવી, દારૂની કટોરી પાઈ પછી પૂછ્યું: “ભાઈ, તારા ભેરુબંધને ફસાવતાં તને શરમ ન આવી ? આવી ખૂટલાઈ !”

અમારી સામે એ નીરખી રહ્યો. પછી એણે કટોરો પૂરો કર્યો.

મેં કહ્યું : “લાવ એ સંદેશો હું બેટીનાની પાસે ઇસ્પિતાલમાં લઈ જાઉં. ત્યાંથી હું છાપાં પણ લેતો આવીશ આપણા ભાઈબંધ વાસ્તે.”

“હંમ ! ભાઈબંધ !” ભરવાડ મારી સામે ડાઢીને બોલ્યો. ચોમેર નજર કરીને એણે કહ્યું : “તમે મને ફસાવવા માગો છો ખરું ને ?”

“અમે ઇટાલિયન નથી, અમેરિકન છીએ, ભાઈ !” મેં ફોડ પાડ્યો.

“અમેરિકા !” એ જાદુઈ શબ્દે ભરવાડનો ચહેરો ઝલકી ઊઠયો. “હાં, તો તો હું તમારો ઇતબાર કરું, લ્યો, આ બેટીનાને દેજો – એના ધણીનો કાગળ.”

એમ કહી એણે મને એક પરબીડિયું દીધું, કહ્યું : “જવાબ પણ તમે જ ભાઈબંધને પહોંચાડજો. આજ અધરાતે : ગ્યુસેપ્પીને નેસડે : અહીંથી પાંચ કલાકનો વસમો પહાડી પંથ છે – બોસ્કોવર્દેની ઝાડીને ઓલ્યે છેડે, આસીનીનાના ગાળામાં. ભેળા તમારા મોટા ડગલા લેજો, નીકર ત્યાં ઊંચે ઠરીને ઠીંકરુ થઈ જાશો. ને કોને ખબર છે, કોકને એ ડગલાની તમારા કરતાં વધુ જરૂર પણ હશે.. લ્યો રામરામ, ભાઈ ! અમે પહાડના લોકો ઉતાવળી પ્રકૃતિના ખરા, પણ દગો ન કરીએ હો ! સાચું વેર લેનાર મર્દને અમે ફસાવીએ નહિ કદી, હો ભાઈ ! લ્યો, રામરામ !”

એ ચાલ્યો ગયો. હું વહેલી પરોઢે બેટીનાની પાસે કાગળ પહોંચાડી, એના વેરાન બનેલા વદન પર પલભર આનંદનાં કિરણો રમતાં નિહાળી કુશળખબર આપી વળી નીકળ્યો.

અમે પંથે પડ્યા. પહાડ પર પહાડ, ચડાવ પર ચડાવ ! પાંચ કલાકે અમારો આરો ક્યાંથી આવે ? ઊંચાણે જેમજેમ ગયા તેમતેમ તો બરછી જેવો પવન ફૂંકાતો આવ્યો. ઝાપટાં અમને ભીંજવવા લાગ્યાં, અને એ પહાડની ધુમ્મસમાં પંથ શોધવો દોહ્યલો બની ગયો. પણ અંતરથી હું રાજી થતો હતો, કે આ પહાડની વંકાઈ, આ વાવાઝડી ને આ ધુમ્મસ આપણા ભાઈબંધની ભારી રક્ષા કરનારાં થઈ પડશે. કેમ કે પોલીસનું કામ કપરું બની જવાનું, જ્યારે મેરિયોને તો એ રાતદિવસના સાથી સમાન હતાં.

[6]

આખરે અમે એ નેસડે પહોંચ્યા. ઝૂંપડાના દ્વાર પર અમે ટકોરા માર્યા.

બરાબર એ જ પળે, મારી પછવાડે મારા બરડામાં કંઈક કઠણ અને લીસું મને ચંપાતું લાગ્યું. અને એક ધીરો પણ કરડો અવાજ મારે કાને પડ્યો કે, “હાથ ઊંચા – જલદી હાથ ઊંચા કરો, ને જો જરીક હલ્યા છો ને, તો હમણાં વીંધાયા જાણજો. હું અંધારે ભાળું છું.”

કશી જ દલીલ કર્યા વગર અમે આજ્ઞાંકિત બન્યા. પછી મેં શાંતિથી અંગ્રેજીમાં કહ્યું : “ભાઈ મેરિયો, આ મારી પીઠ પર તું જે દાબી રહ્યો છે તે જો તારી બે-જાટાળીની નળી

મેરિયો શિકારી
445