પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગણકાર્યા વગર ગડથોલિયાં ખાવા માંડ્યાં, ખડક પરથી ખડક પર પડતું મૂકતો, ગોળીબારની ઝડીમાંથી ચમત્કારી રીતે ઊગરી જઈને એ દરિયાકાંઠે ખાબક્યો, ત્યાં એક ભેરુબંધ માછીમારની હોડી રાહ જોતી ઊભી હતી તેમાં ચડીને હલેસાં ચલાવ્યાં, ગંભીર જળમાં હોડી ચુપચાપ ચાલી. ત્યાં તો દીઠું કે કિનારેકિનારે પોલીસની બીજી ટુકડી આવી રહી છે. એકાએક હાકલ પડી : “નિશાન લ્યો : તાશીરો ચલાવો હોડી પર.”

“અને ઓ હોડીવાલા ! જલદી પાછી વાળ, કિનારે પહોંચ.”

“એ ભાઈસા’બ ! આવીએ છીએ, પાછા કિનારે આવીએ છીએ ! ફેર કરશો મા.” એવાએવા એ માછીમારના ચસકાની અંદર એક બીજો અવાજ ડૂબી ગયો - ને તે હતો બહારવટિયાનો પાણીમાં ખાબકી પડ્યાનો અવાજ.

હોડી કાંઠે આવી ત્યારે ખાલી હતી. રોમાનેતી ઢબતો ઢબતો, પાણી કાપતો પાછો ખડકોમાં પહોંચી ગયો હતો.

[4]

‘આ દગલબાજી કોણે કરી ? આપણી વચ્ચે તે રાત્રિએ કોણ વિશ્વાસઘાતી જાગ્યો ?’

એ એક જ સમસ્યા બહારવટિયાને તે પછીના દિવસોમાં સતાવી રહી હતી. નક્કી વાત છે કે કોઈકે પોલીસને બાતમી આપી દીધેલી. કુત્તાઓને પણ છેક પોલીસ લગોલગ આવી પહોંચી ત્યાં સુધી કોઈક કોઈક જાણીતા આસામીએ મૂંગા રાખ્યા હોવા જોઈએ. કોઈક જાણભેદુ ફૂટી ગયો છે.

“ઓ રોમાનેતી !” સાથીઓએ સંદેહ ઉઘાડો કર્યો : “કાસ્ટીગ્લીઓની તો નહિ હોય ?”

“કોણ, સીનાર્કા ગામવાળો જુવાન કાસ્ટીગ્લીઓની ?”

“હા, એ લાગે છે.”

“શા પરથી ?”

“મોખરેના કુત્તા પર એની દેખરેખ હતી તેથી.”

“પણ મને ફસાવવામાં અને મતલબ શી ?”

એ સવાલ કરવાની સાથે જ બહારવટિયાને કંઈક યાદ આવ્યું. એના મનમાં ગણતરી ગણાવા લાગી, એનાથી બોલી જવાયું : “હાં ! સાચેસાચ એ જુવાન કાસ્ટીગ્લીઓનીનાં કામાં. તપાસ કરો, એ ક્યાં છે.”

રોમાનેતીની પરણેતર જ્યારે કુંવારી હતી ત્યારે આ જુવાન એના પ્યારનો ઉમેદવાર હતો. પોતાની દિલદારને કેમ જાણે રોમાનેતી હરણ કરી ઉપાડી ગયો હોય એવી એના દિલમાં અગોચર દાઝ હતી. રોમાનેતીના ગુણશીલ ઉપર મુગ્ધ બનીને એ સુંદરી ગઈ હતી, તે વાત આ પ્રેમઈર્ષાના અગ્નિમાં સળગતો આદમી સમજી નહોતો શક્યો. એણે જ પોલીસને બાતમી આપી હતી. તપાસ કરીને માણસો આવી ગયા : જાહેર કર્યું કે કાસ્ટીગ્લીઓની અને બહાવટિયાનો એક જાતવંત ઘોડો બેઉ અલોપ થયા છે.

“એને લઈ આવો,” બહારવટિયાએ ટૂંકોટચ આદેશ દીધો; પછી તુરત જ ઉમેર્યું : “પણ જીવતો - ખબરદાર, એને જીવતો પકડી લાવજો.”

રોમાનેતી
453