પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
રડીને રાજ્ય લેવું છે

અમે તો ઠાકોર સાહેબ પાસે જઈને રોવા માંડ્યું. સાહેબે મારા પિતાશ્રીને પૂછ્યું, ‘ગાંધીજી, આ છોકરાઓ કેમ રુએ છે?’ ગાંધીજીએ છોકરાઓ સામે આંખો કાઢી — તેમનામાં વિનયની તો ખામી નહોતી, છતાં તેઓ ઠાકોર સાહેબની ભૂલ લાગે તો તેમની સામે પણ આંખો કાઢતા. અમે ડરી ગયા, એટલે ઠાકોર સાહેબ કહે, ‘તમારે જે કહેવાનું હોય તે કહો, ડરો મા.’ અમે કહ્યું, ‘અમારે ધરમપુર જવું છે.’ ઠાકોર સાહેબે કહ્યું, ‘ઊંજણું તો ચાલ્યું ગયું, હવે તો તમને કાનપુર મેાકલીશું.’ એમ તે વેળા અમે બન્ને ભાઈઓએ રોઈને રાજ રાખેલું, અને આજે પણ હું રોઈ ને રાજ રાખવા માગું છું. શાસ્ત્રીજીએ આશીર્વાદ આપતાં કહેલું કે કીર્તિ કુંવારી છે. તે કીર્તિ ભલે કુંવારી રહે, કારણ મને વરી તો તો મારા ટુકડે ટુકડા થઈ જવાના છે. એટલે મારે કીર્તિ નથી જોઈતી. પણ એક બે વસ્તુ બીજી જોઈએ છે જેને માટે તો મારે રોવું જ પડશે. માનપત્રમાં મારે વિષે બહુ કહેવામાં આવ્યું છે, અને નામદાર ઠાકોર સાહેબે બીજું ઘણું કહ્યું, પણ એથી હું ભોળવાઉં કે ઠગાઉં એમ નથી. એથી હું એમ માની નથી લેવાનો કે એ બધાને હું લાયક બની ગયો છું. મને ઠાકોર સાહેબે જમણે હાથે બેસાડ્યો અને માનપત્ર આપ્યું તેથી હું એમ માનું નહિ કે રાજા થઈ ગયો. મારે રાજા નથી થવું. હું તો રૈયત જ છું, અને રૈયત જ રહેવા ઇચ્છું છું. માત્ર ઠાકોર સાહેબે કરેલા વિનયનો હું ત્યાગ નથી કરી શકતો. મારાથી જો બને તો એ વિનયથી, એવાં માનપત્રોથી હું અલિપ્ત જ રહું, મારી હદ ચાતરી ન જાઉં, ગાંડો ન બનું.

માનપત્ર માટે આભાર માનતાં મારે કહેવાની રજા લેવી