પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
કાઠિયાવાડ રાજકીય પરિષદ

ટૂંકામાં, બન્નેની વચ્ચે સંબંધ ધર્મનો રહે, પશુબળનો નહિ. આધુનિક વાયુ નાશક છે, પ્રાચીન સભ્યતા પોષક છે, અહિંસા સર્વનું શુભ સાધે છે; હિંસા એકના નાશની ઉપર બીજાની વૃદ્ધિનો પાયો રચે છે. પ્રજાસત્તા સર્વથા લાભકારક નથી; રાજસત્તા સર્વથા હાનિકારક નથી. બન્નેનો ઉપયોગ છે. તે ક્યાં છે એ શોધવું રાજકીય પરિષદનું કાર્ય છે. કેમકે પરિષદ સત્ય અને અહિંસાને માર્ગે પોતાના ધ્યેયને પહોંચવા માગે છે.

પરિષદ શું કરી શકે એ આપણે તપાસીએ. ખાદી, હરિજનસેવા, સામાજિક સુધારણા ઇત્યાદિ તો છે જ. આ કાર્યો કરી પરિષદ પ્રજાતત્ત્વને પોષે. રાજ્યપ્રકરણી બાબતો થોડી નથી. મદ્યપાનનિષેધ, કેળવણી, રેલવે ખાતું, વરસાદના પાણીનો સમસ્ત કાઠિયાવાડને સારુ સંગ્રહ, સમસ્ત કાઠિયાવાડને સારુ વૃક્ષોનો સંગ્રહ ને તેની વૃદ્ધિ, સમસ્ત કાઠિયાવાડને સારુ એક પ્રકારની જકાત અને એક પ્રકારનો તેનો વહીવટ, આવી રાજા પ્રજા બન્નેનું કલ્યાણુ કરનારી બીજી બાબતો પણ વર્ણવી શકાય. આ વસ્તુઓની ઘણી જ અગત્ય છે. તેના ઉપર જ કાઠિયાવાડ નભી શકે તેમ છે. તેના વિના કાઠિયાવાડ તેની મેળે જ નાશ પામવાનું.

આ કાર્યો સાધવામાં રાજાઓની મદદની જરૂર છે તેના કરતાં વિશેષ જરૂર અમલદારવર્ગની છે. અમલદારવર્ગ જો સ્વાર્થી અથવા લઘુદૃષ્ટિ હશે તો રાજાઓ પોતે ઇચ્છે તે સુધારા પણ થવા ન પામે. રાજાના હાથપગ તેના અમલદાર છે. અમલદારવર્ગ એટલે પ્રજા. પ્રજા સુધરે તો રાજા સુધરે જ. પણ બોલતોચાલતો પ્રજાનો મોટો ભાગ અમલદારવર્ગનો છે. તેથી જ્યાંસુધી તે સ્વાર્થને ન ભૂલે, તે નીતિનો પંથ