પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેશી રાજ્યોનો પ્રશ્ન

ચળવળ છે, તે બેવફાદારીની હિલચાલ છે, તેથી દેશ પાયમાલ થશે, એમ કહેનારા છો કહેતા. તેઓ અજ્ઞાનપણે તેમ કહે છે એમ માની, આપના મિત્રોની પાસે પણ મારો બચાવ કરજો.

અન્યાયની સામે જીવને જોખમમાં મૂકીને પણ થવું એવું શાસ્ત્રો શીખવે છે. મારા વડીલે મને પોતાના દાખલાથી એ જ શીખવ્યું. લોકો હિમ્મત શીખે તેથી દેશને હાનિ નથી થવાની.

પણ મેં આ પત્ર સ્વરાજ વિષે લખવા શરૂ નથી કર્યો. મારા સ્વરાજ વિષેના વિચાર અંતરાયરૂપ ન થાય તેટલા સારુ ઉપલાં વાક્યો લખ્યાં છે.

મારી પાસે અનેક લેખો આપનાં રાજ્યો વિષે આવ્યા છે. અનેક ફરિયાદો મોઢેથી સાંભળી છે. પણ આજ લગી મેં તેમાનું કંઈ જ છાપવું દુરસ્ત નથી ધાર્યું. મેં એવી જ આશા રાખી છે કે છેવટે બધું કુશલ થઈ રહેશે; ને હજુ એમ જ માનું છું. જો મોટી સલ્તનતની અંધાધૂંધીનો નાશ થઈ જશે તો નાનાં રાજ્યોની અંધાધૂંધી એની મેળે શમી જશે. આત્મશુદ્ધિ એવી વસ્તુ છે કે તેની જડ બસતાં વાર લાગે છે, પણ જડ બેઠા પછી તેને ફેલાતાં વાર નથી લાગતી.

પણ હવે તો હું સાંભળું છું કે કોઈ રાજ્યો રેંટિયાને હસી કાઢે છે, કોઈ તેને રોગ ગણી તેનો નાશ કરવા ઈચ્છે છે, કોઈ સ્વદેશી જેવી શાશ્વત પ્રવૃત્તિને રોકવા સારુ પ્રજા ઉપર અયોગ્ય દબાણ કરે છે, કોઈ ખાદીના ઉપયોગની સામે થાય છે, ખાદીની ટોપી પહેરવી તે ગુનો ગણે છે. આ બધું માનતાં મને ક્ષોભ થાય છે. છતાં મારી પાસે પુરાવો એટલો બધો છે કે બધી વાતો ખોટી ન જ હોય.