પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૩૯
કાઠિયાવાડના સેવકો

કાઠિયાવાડના કેટલાક કાર્યકર્તાનું સંમેલન થોડા દિવસ પહેલાં ભાવનગરમાં મળ્યું હતું. તેમાં પુષ્કળ ચર્ચા થયા પછી શ્રી. નાનાભાઈની પ્રેરણાથી એવો ઠરાવ થયો હતો કે તેમણે મારી સલાહ પ્રમાણે સેવાકાર્ય કરવું ને જે મર્યાદાઓ હું મૂકું તેનું પાલન કરવું. આમાંના કેટલાક ભાઈઓ મારી પાસે આ વિષે ચર્ચા કરવા આવવાના હતા. તેમનો કાગળ આવતાં મેં તેમને રોકવાનો પ્રયત્ન કર્યો — એમ લખીને કે મારી પાસેથી તો જેને હું રચનાત્મક કાર્યક્રમ ગણું છું તેને વિષે જ તેઓ સાંભળશે, એટલે ફેરો ફોગટ જવાનો સંભવ છે. પણ તેઓને ગળે આ વાત ન ઊતરી ને શ્રી. જગજીવનદાસ, બળવંતરાય, ફૂલચંદ, ઢેબરભાઈ અને વજુભાઈ આવ્યા. બે કલાકની ચર્ચાને અંતે એમ ઠર્યું કે મેં આપેલી સલાહનો સારાંશ મારે ‘હરિજનબંધુ’માં આપવો. મેં આ માગણીનો સ્વીકાર કર્યો.

પ્રથમ ચર્ચા મેં શ્રી.દાણીને લખેલા કાગળ ઉપર થઈ. મને એમ જણાવવામાં આવ્યું હતું કે, તે કાગળમાં મેં કાઠિયાવાડી કાર્યકર્તાને નકામા, સ્વાર્થી અથવા ચારિત્રશૂન્ય અથવા એ બધું છે એમ કહી નિંદ્યા હતા તે તેથી મેં ઘોર અન્યાય કર્યો હતો. મેં જવાબમાં લખેલું કે એવા નાગા કાગળ લખવાનો મારો સ્વભાવ નથી, ને મેં એ કાગળની નકલ