પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

મોટરો ખાનગી શખસોએ પૂરી ન જ પાડી હોય. બે કલાક હવામાં ગોળીબાર કર્યાં તેટલાં કારતૂસ પણ ખાનગી માણસ પાસેથી ન મળી શકે. રાજ્યની પોલીસે હજી કશી તપાસ શરૂ કરી નથી. પંચનામાં પણ નથી કર્યાં. કશી દાક્તરી મદદ રાજ્યે લીંબડીથી મેલી નથી. ઠાકોર સાહેબ પાસે ગયા છતાં તેમણે કશું સખત પગલું લીધું નથી. બીજાં ગામડાંમાં પણ રાજ્યના પસાયતાઓ આવી જ ધાડોની ધમકી આપી રહ્યા છે.

આ અગાઉ બનેલા ગુંડાગીરીના બનાવો શંકાને સબળ કરે છે. જાંબુ ગામે ભક્તિબાની મોટર પર મુખીઓએ હુમલો કરેલો, સિચાણીમાં પ્રજામંડળની મોટર તોડી નાંખેલી, ને તેના ડ્રાઈવર તથા કાર્યકર્તાને માર મારેલો. રાસકા ગામે પ્રજામંડળના સભ્યોને માર પડેલો, સિયાણી ગામે સ્વયંસેવકોના ઉપરીને ગામપસાયતાએ ખૂનની આપેલી ધમકી, અને એ ગામમાં ડાંગો, ધારીયાં તેમ જ છરીઓ લઈને ફાવે તેમ ફરતા ત્રીસ જેટલા ગુંડાઓ — આવી આવી કેટલીયે બીનાઓ પરથી અહીંયાં શંકા નથી રહી કે તાજેતરમાં ચાલુ થયેલી પ્રજાકીય ચળવળને દાબી દેવા રાજ્યે સંગઠિત ગુંડાગીરી ચાલુ કરી છે. કેટલીયે વાર ઠાકોર સાહેબનું આ બનાવો તરફ ધ્યાન ખેંચ્યું પણ ફોગટ. છેલ્લી ધાડના કૃત્ય સામે નગરશેઠ લાલચંદભાઈ, તેમ જ શ્રી. દુર્લભજી ઉમેદચંદ, અમૂલખ અમીચંદ જેવા આગેવાન શહેરીઓ સાથે ૪૦૦ થી ૫૦૦ લોકોએ ઉપવાસ આદર્યા છે ને રાજમહેલ સામે રાતદિવસને સારુ બેઠા છે. આજ સવારથી બીજા ત્રણેક હજાર લોકો જોડાયા છે. રાજ્ય સામે પ્રજાનો પુણ્યપ્રકોપ ઊકળી ઉઠ્યો છે. પ્રજા અદ્ભુત અહિંસાવૃત્તિ દાખવી રહેલ છે અને ગમે તે આફતનો સામનો કરવા તૈયાર છે.”

તેમણે તેમની પ્રજા પરિષદનું અધિવેશન ભરવાની જાહેરાત કરવાની પણ હિમ્મત કરી, અને તેનું પરિણામ મારા ઉપર આવેલા નીચલા તારમાં વર્ણવવામાં આવ્યું છે :