પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
લીંબડીની અંધેરશાહી

“પ્રજા પરિષદની બેઠક આવતી કાલે છે. તેને તોડી પાડવા સંખ્યાબંધ ગુંડાઓને લીબડીમાં આણવામાં આવ્યા છે. લોકોનું માનવું છે કે રાજ્યના અધિકારીઓનો આમાં હાથ છે. આવી શંકાને સારુ સબળ કારણો છે. શહેરમાં બધે આખો દિવસ લાઠીઓ, ખુલ્લી તલવારો, બંદૂક અને ધારિયાં લીધેલા ગુંડાઓનાં સરઘસ ઘૂમી રહ્યાં છે. તેમાંના કેટલાકે અમુક સ્ત્રીઓ પર હુમલા કરવા પ્રયત્ન કર્યો. પ્રમુખ વેપારી મુંબઈવાળા શેઠ ‘અમૂલખ અમીચંદ’ વચ્ચે પડ્યા અને ‘સ્ત્રીઆને ન મારો, જોઈએ તો મને મારો’ એમ કહ્યું, શેઠ દુર્લભજી ઉમેદચંદ તથા ભગવાનલાલ હરખચંદ પણ છ સ્વયંસેવકો સાથે પહોંચી ગયા. આ સ્વયંસેવકોને લાકડીઓનો માર પડ્યો. બીજે એક ઠેકાણે ગુંડાઓએ ભાવનગરવાળા વકીલ પ્રહ્‌લાદરાય મોદીને પકડ્યા અને જ્યારે ખાતરી કરી લીધી કે તેઓ પ્રજામંડળના સભ્ય નથી ત્યારે જ તેમને છોડ્યા. ભોગીલાલ ગાંધીને ઉઘાડી તલવાર લીધેલા ગુંડાઓએ ખૂન કરવાની ધમકી આપી. મનુભાઈ ઠાકરને ડાંગનો ફટકો પડ્યો. ગુંડાઓ પ્રજામંડળ ઑફિસ સામે બુમરાણ મચાવી રહ્યા છે. સિયાણીવાળા ટપુભા, જેઓ રાજ્યના નોકર છે અને જેમણે બે દિવસ પહેલાં એ ગામમાં પ્રજામંડળના સ્વયંસેવકોને માર્યા હતા, તેમની સરદારી હેઠળ સ્થાનકવાસી ભોજનશાળા જ્યાં ગામડાંમાંથી પરિષદ માટે આવેલા ખેડૂતોનો ઉતારો છે, તેની બહાર બુમરાણ મચાવી રહ્યા છે. જે કોઈ બહાર આવે છે તેને ઠાર કરવાની ધમકી આપી રહ્યા છે. ગુંડાટોળીઓ રસ્તા પર ફરી રહી છે. ઘેરો નંખાયો હોય અને રાજ્યે લશ્કરી કાયદો જારી કર્યો હોય એવી સ્થિતિ વર્તી રહી છે. આને સારુ રાજ્ય જવાબદાર છે એમ લોકો માને છે. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ નારુભાને આમાંના કેટલાક જોડે વાતો કરતા પ્રતિષ્ઠિત લોકોએ જોયા છે. ઘણા લોકોને ગામડાંમાંથી બળજોરીએ આણ્યા છે, અને શહેરના રસ્તાઓ પર ફરતાં ગુંડાઓનાં સરઘસોમાં તેમને પરાણે ફેરવી રહ્યા છે. પ્રજા અદ્ભુત અહિંસા