પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭
અનશન

વરસની ઉમરે પ્રાણાર્પણ કરવું પડે — જિંદગીના વીમાની દૃષ્ટિએ પણ મારી જિંદગીની કશી જ કિંમત ન ગણાય — તો પવિત્ર અને ગંભીર વચનનું પાલન કરાવવાને સારુ એવું પ્રાણાર્પણ હું બહુ જ ખુશીથી કરું.”

તા. ૩ જીએ સાંજે રાજકોટથી ઍસોસિયેટેડ પ્રેસનો નીચે પ્રમાણેનો તાર મળ્યો છે:

“ગાંધીજીને ઠાકોર સાહેબ તરફથી કશો ઉત્તર ન મળવાથી તેમણે આજે બપોરે બાર વાગ્યે પ્રાર્થના પછી ઉપવાસ શરૂ કર્યો છે. રાષ્ટ્રીય શાળાના સર્વ નિવાસીઓ અને થોડાક પત્રકારો આ પવિત્ર વિધિ વખતે હાજર હતા, ‘વૈષ્ણવ જન’ અને રામનામની ધૂન ગવાયા પછી ગાંધીજીએ ઉપવાસનો આરંભ કર્યો. પ્રાર્થના પછી તરત, તેમણે ઠાકોર સાહેબને લખેલો કાગળ છાપાંમાં પ્રસિદ્ધ કરવા આપ્યો છે. તે કાગળ પ્રસિદ્ધ કેમ કરવો પડ્યો તેનો ખુલાસો કરતું નિવેદન પણ કર્યું છે.”

તા. ૩ જીએ રાતે મળેલો બીજો તાર આ પ્રમાણે છે :

“ઉપવાસના આરંભ પછી થોડાક કલાકે ગાંધીજીનાં ૭૫ વરસનાં બહેન ગાંધીજીને મળવા આવ્યાં હતાં. ભાઈબહેનની આ મુલાકાતનું દૃશ્ય હૃદયસ્પર્શી હતું. કલાકેક સુધી એમણે ગંભીરપણે કંઈક વાતો કરી.

“ડાક્ટરોનો અભિપ્રાય એવો છે કે ગાંધીજીની જીવનશક્તિ બહુ મંદ છે ને તે ઘણા જ અશક્ત છે. અગાઉના પ્રસંગોના ઉપવાસ કરતાં આ ઉપવાસના આરંભ વખતે એમનામાં જીવનશક્તિ ને શરીરબળ ઘણાં ઓછાં છે. ગયાં છ અઠવાડિયાંના પરિશ્રમથી એમની અશક્તિમાં વધારો થયો છે.”

હરિજનબંધુ, ૫–૩–૧૯૩૯