પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬૫
મારી ભૂલ?

રાજકોટના મામલામાં ગૂંચવાવાને સારુ કેટલાક મિત્રો મને મીઠો ઠપકો આપી રહ્યા છે. એમની દલીલોનો સાર આ પ્રમાણે છે:

“બીજું બધું છોડીને એક રાજકોટના પ્રશ્નમાં જ આમ રોકાઈ જવામાં તમને પ્રમાણનું ભાન મુદ્દલ રહ્યું જણાતું નથી. ત્રિપુરીમાં હાજર રહેવાની તમારી ચોખ્ખી ફરજ હતી. તમે ત્યાં જાત તો ત્યાંની સ્થિતિ બધી બદલાઈ જાત. વગરનોટિસે રાષ્ટ્રના જીવનમાં આમ ખલેલ કરવાનો તમને કશો હક નહોતો. એક રાજા પાસે તેનું વચન પળાવવા સારુ તમારે અનશન કરવાનું શું પ્રયોજન ? રાજકોટના લોકોનો સત્યાગ્રહ જારી હતો. તમે અચાનક ન અટકાવ્યો હોત તો, ચાહે તેમ થાત તોયે, લોકો એમાંથી પ્રબળ બનીને જ બહાર આવત. તમારી રીત પ્રજાસત્તાકના ચણતરને પોષક નથી. વળી તમે જ હિંદુસ્તાનને વાઈસરૉચ–ગર્વનરો અને એવા જ વડા અમલદારો, જેઓ આપણને તેમના દમામથી અંજાવતા, તેમનાથી છેટા રહેતાં શીખવ્યું. આજે જ્યારે મોટમોટાં કામો તમારા ધ્યાનની બીજે વાટ જુએ છે ત્યારે તમે પોતે વાઈસરૉયની તહેનાત ભરી રહ્યા છો. સમૂહતંત્ર (ફેડરેશન)ના તમે વિરોધી ગણાઓ છે છતાં ફેડરલ અદાલતના વડા ન્યાયાધીશને કબૂલ રાખો છો અને એનો ચુકાદા આવતાં સુધી દિલ્લી છોડતા નથી. સાચે જ મહાત્માઓની લીલા અકળ છે.”

ઉતાવળિયા વાચકને આ દલીલ સચોટ લાગશે, પણ જરા ઊંડે ઊતરીને તપાસનારને અને સત્યાગ્રહનો માર્ગ સમજનારને એનું ખોટાપણું સમજાતાં વાર નહિ લાગે. રાજકોટમાં મેં જે કંઈ કર્યું અથવા કરી રહ્યો છું એમાં નવું કશું નથી.