પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

કરવાની એકે તક ન જવા દેવી એ સત્યાગ્રહનું અંગ છે. અત્યારના લૉર્ડ હૅલિફૅક્સ, લૉર્ડ અરવીન તરીકે, હિંદના વાઈસરૉય હતા ત્યારે મેં જે કર્યું હતું તે જ અત્યારે નાના પાયા પર લૉર્ડ લિનલિથગો જોડે વર્તવામાં હું કરી રહ્યો છું.

છેવટે, ઠાકોર સાહેબે સરદારને આપેલા તા. ૨૬-૧૨-૩૮ના કાગળનો અર્થ કરવાને સારુ હિંદના વડા ન્યાયાધીશના મારા સ્વીકાર વિષે. ઠાકોર સાહેબ કાગળનો એક અર્થ કરતા હતા, સરદાર બીજો કરતા હતા. વાઈસરૉયે હિંદના સરન્યાયાધીશ પાસે કરાવવા સૂચવ્યું, મારો ધર્મ શો ? મારે શું એટલા સારુ ના પાડવી કે તે હિંદના નવા કાયદા હેઠળ રચવામાં આવેલ અદાલતના સરન્યાયાધીશ હતા ? આવો વાંધો ઊભો કરવા સામે મારી ઔચિત્યવૃત્તિ બળવો જ કરે. સર મૉરીસ ગ્વાયરને એક દસ્તાવેજનો અર્થ કરનાર પંચ તરીકે મેં સ્વીકાર્યા એથી સમૂહતંત્ર નજીક નથી આવ્યું. જો સમૃહતંત્ર લદાવાનું જ હશે તો તે દેશમાં આજે વધી રહેલાં હિંસાબળોને તેમ જ મહાસભાના તંત્રમાં વધ્યે જતાં નિરંકુશતા અને સડો, જેની સામે હું છેલ્લા બાર માસથી પોકાર કરી રહ્યો છું, તેને અહિંસક અંકુશ હેઠળ આણવાની આપણી નામરદાઈમાંથી જન્મેલી અશક્તિને પરિણામે જ લદાશે.

વાચક એ પણ જાણે કે, સર મૉરીસે લખાણનો અર્થ કર્યો તે ફેડરલ અદાલતના સરન્યાયાધીશ તરીકે નહિ પણ એક નામાંકિત ન્યાયાધીશ તરીકે કર્યો છે. આ કામ કરવામાં તેમણે કેટલો પરિશ્રમ ઉઠાવ્યો છે એ તે ચુકાદો વાંચનારના લક્ષમાં આવ્યા વગર રહે તેમ નથી.

રાજકોટ, ૮–૪–૩૯
હરિજનબંધુ, ૧૬–૪–૧૯૩૯