પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

અનુસરીને રિપોર્ટ કરે; શરત એ કે રિપોર્ટ પરિષદને બતાવે, અને જો પરિષદને લાગે કે ૨૬મીની જાહેરાતની તેમાં પૂર્ણતા નથી થઈ તો તે તેની જોડે પોતાનો મત રજૂ કરતી ભિન્નમતપત્રિકા ટાંકે, અને તેવી પત્રિકા સાથેનો એ મૂળ રિપોર્ટ વડા ન્યાયાધીશ આગળ નિર્ણયને સારુ મોકલવો. રેસિડેન્ટે મારી આ ઑફર દરબારશ્રી વીરાવાળા પર મોકલી આપી, પણ ઠાકોર સાહેબે તે નામંજૂર કરી.

પંદર દિવસની આ અંતરવ્યથા પછી હું જોઈ શક્યો છું કે, જો ઠાકોર સાહેબને કે દરબાર વીરાવાળાને એમ લાગતું હોય કે ઉપરના દબાણને લીધે તેમને કશું આપવું પડ્યું તો, મારી અહિંસા નિષ્ફળ લેખાવી જોઈએ. મારી અહિંસા સામું જોતાં મારે એમનામાંથી એવી લાગણી નાબૂદ કર્યે છૂટકો હતો. તેથી તક મળતાં જ દરબાર વીરાવાળાની એવી ખાતરી કરાવવા મેં પ્રયાસ કર્યો કે ચક્રવર્તી સત્તાની મદદ માગવામાં મને કશો આહ્લાદ ન હતો. અહિંસા ઉપરાંત મારા રાજકોટ જોડેનો સંબંધ પણ મારા પર આવો અંકુશ મૂકે એમ હતું. મેં દરબાર વીરાવાળાને ખાતરી આપી કે મને અનાયાસે સ્ફુરી આવેલી ને મિ. ગિબસન આગળ કરેલી મારી ઑફર ઉપલી દિશામાં કરેલા મારા પ્રયાસનું જ પરિણામ હતું. તરત જ તેમણે મને સંભળાવ્યું : “પણ જો તમે ઠાકોર સાહેબની સમિતિના રિપોર્ટથી ન સંતોષાઓ તો જાહેરાતની રૂએ તેને કસવાનો હક તો માગો જ છો ના? વળી પરિષદ ભિન્નમતપત્રિકા ટાંકે તો તમે પાછા એ રિપોર્ટ તેમ જ પત્રિકા બેઉ વડા ન્યાયાધીશ પાસે છણાવવા માગો છો. આને તમે દબાણની લાગણી નાબૂદ કરવાનો પ્રયાસ કહો છો ? ઠાકોર