પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

જો એમ જ હોય તો તમે તમારું શેર માંસ જ ભલે કાપી લો. ઓછું નહિ ને વત્તું નહિ.” એમના વાંધામાં રહેલું વજૂદ મેં ઓળખ્યું. મેં એમને કહ્યું પણ ખરું કે, “ચુકાદાને ફગાવી દેવાની આ ઘડીએ મારી હિમ્મત નથી; પણ ભલા થઈ ને, જાણે ચુકાદો હસ્તીમાં જ નથી અને સરદાર તથા હું પણ નથી એમ ગણી પ્રજા જોડે સમાધાન કરો.” એમણે પ્રયત્ન કરી જોવા વચન આપ્યું. પોતાની રીતે પ્રયત્ન પણ કર્યો, પણ વિશાળ જિગર મને ન જડ્યું. હું તેમને દોષ નથી દેતો. ચુકાદાને વળગી રહેવાનું મારું કાર્પણ્ય એ પોતે ભાળી રહ્યા હોય ત્યાં હું એમના તરફથી વિશાળ જિગરની આશા કેમ રાખી શકું? વિશ્વાસ જ વિશ્વાસ પેદા કરે. એ તો મારામાં જ નહોતો.

પણ અંતે મેં ખોયેલી હિમ્મત પાછી મેળવી છે. મારા આ એકરારથી અને પશ્ચાત્તાપથી અહિંસાના સર્વોપરી ગુણ વિષેની મારી શ્રદ્ધાની જ્યોત વધુ તેજથી ઝગી રહી છે.

મારા સાથીઓને હું અન્યાય ન કરું, એમનામાંના ઘણાનાં હૈયાંમાં અંદેશો ભર્યો છે. તેમને મારા પશ્ચાત્તાપને સારું કશું કારણ નથી દેખાતું. તેમને લાગે છે કે ચુકાદાથી ઊભી થયેલી એક મહાન તક હું ફગાવી દઉં છું. એમને એમ પણ લાગે છે કે એક રાજદ્વારી નેતા તરીકે ૭૫,૦૦૦ની પ્રજાનાં — કદાચ આખા કાઠિયાવાડની પ્રજાનાં — કિસ્મત જોડે રમત કરવાનો મને અધિકાર નથી. મેં તેમને કહ્યું છે કે તેમની ધાસ્તી અકારણ છે; અને આત્મશુદ્ધિનું દરેક પગલું, હિમ્મતનો દરેક સંચાર, સત્યાગ્રહમાં રોકાયેલી પ્રજાના બળમાં હમેશાં ઉમેરો જ કરે છે. મેં એમને એમ પણ કહ્યું છે કે જો તેઓ મને સત્યાગ્રહના સેનાપતિ અને વિશારદ ગણતા