પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૯
માફીનો એકરાર


દરબાર વીરાવાળાની બાબતમાં મારે એ પણ કબૂલ કરવું રહ્યું છે કે મારા સાથીઓની પેઠે મેં પણ એમને વિષે બૂરા વિચારોને મારા અંતરમાં આવવા દીધા છે. એમની સામેના આરોપો ખરા હતા કે નહિ એ હું અહીં ન વિચારું. એની ચર્ચાનું આ સ્થાન નથી; એટલું જ કહું કે ‘અહિંસા’નો પ્રયોગ એમના પ્રત્યે કરવામાં નથી આવ્યો. અને મારી એ નામોશીનો એકરાર પણ હું કરી લઉં કે જેને બેવડી રમત કહી શકાય એવા આચરણનો પણ હું દોષી બન્યો છું. એટલે કે એક તરફથી ચુકાદાની તલવાર એમને માથે લટકતી રાખીને બીજી તરફથી તેમને રીઝવવાના પ્રયત્ન કરી ઉદાર સુધારા બક્ષવાની તેઓ ઠાકોર સાહેબને સ્વેચ્છાએ સલાહ આપે એવી આશા મેં રાખી! હું કબૂલ કરું છું કે આવી રીત ‘અહિંંસા’થી સાવ અસંગત છે. ૧૬મી એપ્રિલે મિ. ગિબસન જોડેની વાતચીત દરમ્યાન જ્યારે અચાનક પેલી ‘શરાફી વાત’ મને સૂઝી અને મેં કરી ત્યારે મારી નબળાઈનું મને દર્શન થયું. પણ તે જ ઘડીએ ત્યાં ને ત્યાં એમ કહેવાની મારી હિમ્મત ન ચાલી કે, ‘મારે ચુકાદા જોડે કશી લેવાદેવા નથી રાખવી.’ ઊલટું મેં તો કહ્યું કે ઠાકોર સાહેબ પોતાની સમિતિ નીમે અને પછી પરિષદવાળા ચુકાદાની દૃષ્ટિએ તેનો અહેવાલ તપાસે, ને એ દૃષ્ટિએ જો તે ખામીભર્યો જણાય તો તેઓ વડા ન્યાયાધીશ આગળ જઈ શકે.

દરબારશ્રી વીરાવાળાએ આ દોષ ઓળખ્યો અને વાજબી રીતે જ મારી ઑફર નકારીને કહ્યું, “તમે ચુકાદાની તલવાર તો મારા માથા પર લટકતી રાખો જ છો. અને ઠાકોર સાહેબની સમિતિ ઉપર અપીલની અદાલત બનવા માગો છો.