પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૩
નવા પ્રયોગનો અમલ

નથી. મારો નવો પ્રકાશ મને કહે છે કે ઉપર સૂચવેલી શિસ્ત પળાવવાની બાબતમાં મારે ઢીલું ન જ મૂકવું જોઈએ. જ્યાં આ શરતો પૂરી પળાય ત્યાં સવિનય ભંગની રજા આપવામાં મને મુદ્દલ ખટકો નહિ થાય. એ સવિનય ભંગ વ્યક્તિગત હશે, પણ અહિંસાની દૃષ્ટિએ તે પાછલા સામુદાયિક સવિનય ભંગ કરતાં ઘણો વધારે સચોટ હશે. મારે કબૂલ કરવું જોઈએ કે પાછલી લડતો થોડીઘણી મેલી હતી જ. એ ઉપાડ્ચાનો મને પસ્તાવો નથી, કારણ તે કાળે એથી વધુ સારાનું મને જ્ઞાન નહોતું, અને જ્યારે જ્યારે મારી ભૂલો મને જડી ત્યારે ત્યારે પાછું પગલું ભરવાની સમજ અને નમ્રતા મારામાં હતી. આથી પ્રજા અક્કેક પગલું આગળ જ ગઈ. પણ હવે હું સૂચવું છું તે દિશાએ પાકો ફેરફાર કરવાનો સમય આવી પહોંચ્યો છે.

આમ મારી અત્યારની મનઃસ્થિતિનું સ્પષ્ટીકરણ કરતાં અને ત્રાવણકોરની સ્થિતિને અંગે તેની રૂખ તપાસતાં મારો અભિપ્રાય નવેસર ઘડાયો છે, તે ટૂંકમાં આ પ્રમાણે:

( ૧ ) સવિનય ભંગ બિનમુદતને સારુ મોકૂફ રાખવો. (૨) સત્તાવાળાઓની જોડે માનભરી વાટાઘાટનો માર્ગ ખોલવાની રાજ્ય મહાસભાવાળાઓને પક્ષે મનીષા હોવી જોઈએ. ( ૩ ) જેલમાં પડેલા સત્યાગ્રહીઓની અગર તો નવા જેલ જાય તે સત્યાગ્રહીઓની ફિકર ન કરવી. જો સત્યાગ્રહની ભાવના યથાર્થ રીતે પચી હોય તો આવી જેલો અને હાડમારીઓથી ઊલટું લોકોને ઉત્સાહ ચડવો જોઈએ. ( ૪ ) છેવટના ધ્યેયને પહોંચવાની ગતિ વધારવાને હિસાબે જો જરૂર જણાય તો તાત્કાળિક માગણીઓનો સૂર હળવો પણ કરવો જોઈએ. ( ૫ ) ક્યારે પણ સવિનય ભંગ ફરી શરૂ કરતા