પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

પડ્યા છે જે મૂંગે મોઢે કામ, કામ ને કામ જ કર્યાં કરે છે. તેઓ પણ મારા વિશેષણની બહાર છે. એટલે મારું વિશેષણ તો જેને લાગુ પડી શકે તેને જ ઉદ્દેશીને છે.

એટલું ખરું કે, જો બોલનારા અપવાદ જેટલા જ હોત તો મારી ટીકા અન્યાયી ગણાત. મારી ફરિયાદ એવી છે ખરી કે મુત્સદ્દીવર્ગ મુખ્યત્વે વાચાળ ને ખટપટી છે. મૂંગે માઢે કામ કરનારા અપવાદરૂપે છે. હું મુત્સદ્દી કુટુંબના વચ્ચે ઊછરેલો છું. મુત્સદ્દીવર્ગનો મને બહુ અનુભવ છે. મારા પિતાશ્રીને તો હું પૂજતો. માતપિતાને વિષે મારી ભક્તિ શ્રવણના જેવી હતી. આમાં જો અતિશયોક્તિ હોય તો શ્રવણ મારો આદર્શ હતો એમાં તે મને શક નથી જ. પણ મારી વિવેકદૃષ્ટિનો કદી લોપ થયો જ નથી. તેથી હું ત્યારે જાણતો, ને અત્યારે વધારે જાણું છું, કે મારા પિતાનો ઘણો કાળ તો કેવળ ખટપટમાં જ જતો. સવારના પહોરથી વાત શરૂ થાય તે કચેરીએ જતા સુધી ચાલ્યા જ કરે. સૌ કાનમાં વાત કરનારા. વાતનો સાર માત્ર એટલો જ હોય કે નાના કારભારમાંથી મોટો કેમ મેળવવો; નાગર, બ્રાહ્મણ ને વાણિયાપક્ષમાં વાણિયાપક્ષ કેમ વધારવો, વાણિયામાં પણ અમારે કઈ રીતે વધારે આગળ આવવું, એ મારા પિતાશ્રીનો ઉદ્દેશ હતો. આ એક પક્ષ રજૂ કર્યો. પરમાર્થ ક્યાંયે ન જ હતો એમ કહેવાનો હેતુ નથી; પણ પરમાર્થ ગૌણ હતો. સ્વાર્થ સાધતાં થઈ શકે તે પરમાર્થ કરવો. મારા પિતાશ્રી મુત્સદ્દીવર્ગમાં નીચમાં નીચ ન હતા, પણ તે ઉત્તમોત્તમમાં ગણાતા. તેમનું પ્રમાણિકપણું પંકાતું. લાંચ એ વેળા પણ ખવાતી; તેમાંથી તે મુક્ત હતા. તેમનું હૃદય વિશાળ હતું. ઉદારતાનો